
સમગ્ર ભારતના સ્વાભિમાન એવા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. જે અંતર્ગત આજે તા.૮ જાન્યુઆરી સવારે સોમનાથ મહાદેવ સમક્ષ ભવ્ય અને દિવ્ય 72 કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો.કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીની ઉપસ્થિતિમાં ગગન ગજાવતા શંખનાદ અને શિવજીને પ્રિય તાલવાદ્ય એવા ડમરૂના નાદ સહિત અખંડ ઓમકારના ગૂંજારવ સાથે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો પ્રારંભ થયો હતો.કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી સહિત કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ શંખનાદમાં સહભાગી બની ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો પ્રારંભ કરાવ્યો હતો. સ્વયંના અંતરનો નાદ એટલે ઓમકાર સ્વમાં તલ્લીન કરી પરમચેતનાને ઉજાગર કરતો નાદ એટલે ઓમકારનાદ… ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા આશરે ૨૫૦૦ જેટલા ઋષિ કુમારો દ્વારા ૭૨ કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે. જેના પ્રથમ સત્ર નો ભવ્ય પ્રારંભ થયો હતો .આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સહિત દેશના શિવાલયોમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઓમકાર જાપનું પઠન કરવામાં આવ્યું હતું.પવિત્ર અગ્નિની સાક્ષીએ શંખનાદ, ડમરુના નાદ અને ઋષિ કુમારો દ્વારા સતત ઉચ્ચારાયેલા પવિત્ર ઓમકારના નાદ થી સમગ્ર વાતાવરણ આધ્યાત્મભર્યું બન્યું હતું.ઋષિકુમારો સાથે આ ઓમકારના પવિત્ર નાદમાં યાત્રાળુઓ પણ ભાવપૂર્વક જોડાયા હતા. મંત્રીશ્રીઓ એ પણ પ્રતિકરુપ શંખ વગાડી ઋષિ કુમારોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર શેખાવત, મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ,મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સહિત મહાનુભાવો પણ ઋષિ કુમારોની સાથે ઓમકાર જાપમાં બેસી શિવ ભક્તોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








