
રાજપીપલા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંહ તડવીની અધ્યક્ષતામાં આયુષ મેળો યોજાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા આયુષ નિયામકની કચેરીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પંચાયત નર્મદાની આયુર્વેદ શાખા દ્વારા રાજપીપલા શહેરમાં સ્વામીનારાયણ મંદિર સંકુલ, સંતોષ ચાર રસ્તા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાએ આયુષ મેળાની મુલાકાત લઈ કાર્યક્રમ સ્થળે ઊભા કરાયેલા વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની વર્ષો જૂની પરંપરા આયુર્વેદ અને યોગ પદ્ધતિએ સમગ્ર વિશ્વને નિરોગી જીવનનો સંદેશ આપ્યો છે. રાજપીપલા ખાતે આયોજિત આ આયુષ મેળો જિલ્લા તથા શહેરના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આયુર્વેદ શાખા દ્વારા કોરોના કાળ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ ઉકાળા, સંશમની વટી તેમજ ક્વોરન્ટાઇન કરાયેલા દર્દીઓને આયુષ-૬૪ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુમાં નર્મદા જિલ્લામાં આયુર્વેદ શાખા અંતર્ગત કાર્યરત આયુષ દવાખાનાઓ દ્વારા રોજિંદા નાગરિકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તેમજ યોગાભ્યાસ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ આયુષ મેળાનો લાભ નાગરિકો બહોળી સંખ્યામાં લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
આયુષ મેળામાં વિવિધ સ્ટોલના માધ્યમથી હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, થાયરોઇડ, સંધિવાત, આમવાત, ત્વચા રોગો, પાચન તંત્રના રોગો, શ્વસન તંત્રના રોગો તેમજ આંખ, કાન, નાક અને ગળાના રોગો અંગે તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોના રોગો તેમજ પંચકર્મ સારવાર જેમ કે અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન, બસ્તિ, રક્તમોક્ષણ, નસ્ય તથા અગ્નિકર્મ વિષયક માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે યોગા ટીમ દ્વારા યોગાભ્યાસ અને યોગ નિદર્શન થકી યોગ ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા હેઠળ જિલ્લામાં કુલ ૧૮ દવાખાનાઓ કાર્યરત છે, જેમાંથી ૧૬ આયુર્વેદ દવાખાનાઓ તથા ૦૨ હોમિયોપેથી દવાખાનાઓ કાર્યરત છે. આ પૈકી ૦૯ દવાખાનાઓ નેશનલ આયુષ મિશન અંતર્ગત ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત છે.
આયુર્વેદ તથા હોમિયોપેથી દવાખાનાઓમાં વિવિધ રોગોનું નિદાન કરીને આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી સારવાર આપવામાં આવે છે. દવાખાનામાં નિયુક્ત મેડિકલ ઓફિસરો દ્વારા આંગણવાડી તથા શાળાઓની મુલાકાત લઈ બાળકોની તપાસ કરવામાં આવી, તેમજ આહાર-વિહાર અને પોષણ સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવે છે.





