
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના ભેખડા ગામે તસ્કરો દ્વારા બે મકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ ઘટનાએ શિનોર પોલીસ સ્ટેશનના નાઈટ પેટ્રોલિંગની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ તસ્કરોની ટોળકી રાત્રિના સમયે ગામમાં પ્રવેશી બે મકાનોને નિશાન બનાવી તાળા તોડી ચોરી કરી હતી. ચોરી દરમિયાન એક CCTV કેમેરા પર કપડું ઢાંકી દેવામાં આવ્યું હતું, જ્યારે અન્ય CCTV કેમેરામાં તસ્કરોની ટોળકી નજરે પડી છે.
ચોરી કરતી વેળાએ ગામના કેટલાક લોકો જાગી જતા તસ્કરો નાસી છૂટ્યા હતા. ઘરમાલિકના જણાવ્યા મુજબ ચોરો દ્વારા અંદાજે 500 ગ્રામ જેટલું ચાંદી તેમજ રૂપિયા 10,000 રોકડા ચોરી લઈ જવામાં આવ્યા છે.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો દ્વારા શિનોર તાલુકામાં પોલીસ પેટ્રોલિંગ અને GRD પોઈન્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા શિનોર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.




