ઝેરમુક્ત ખેતીથી સમૃદ્ધિની કેડી: પંચમહાલના નદીસર ગામના પ્રવીણભાઈની પ્રેરણાદાયી પ્રાકૃતિક કૃષિ
ખેડૂત ધારે તો તે ધરતીને ફરી સોનું આપતી બનાવી શકે છે: ખેડૂત શ્રી પ્રવીણભાઈ માછી

પંચમહાલ: ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
“ખેતી એ માત્ર પેટ ભરવાનું સાધન નથી, પણ સ્વાસ્થ્ય પીરસવાનું માધ્યમ છે.” આ સૂત્રને પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામના એક સાધારણ ખેડૂત પ્રવીણભાઈ માછીએ સાર્થક કરી બતાવ્યું છે. આજે જ્યારે ખેતીમાં વધતા જતા રાસાયણિક વપરાશને કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને જોખમાયા છે, ત્યારે પ્રવીણભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને એક નવી રાહ ચીંધી છે.
વર્ષ ૨૦૨૦ સુધી પ્રવીણભાઈ પણ અન્ય ખેડૂતોની જેમ પરંપરાગત રાસાયણિક ખેતી કરતા હતા. જેમાં બજારમાંથી મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ વર્ષે રૂ. ૪૦,૦૦૦ થી વધુનો ખર્ચ થતો હતો. ખર્ચ વધુ અને સામે જમીનની ફળદ્રુપતા ઘટતી જતી હતી. આ દરમિયાન તેઓએ સરકારના ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી. આ તાલીમે તેમની વિચારધારા બદલી નાખી અને તેમણે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી ‘પ્રાકૃતિક કૃષિ’નો સંકલ્પ કર્યો.
પ્રવીણભાઈએ પોતાના ખેતરમાં ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ અને બેસન જેવા કુદરતી તત્વોમાંથી જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે, બજારમાંથી મોંઘા ખાતર કે દવાઓ લાવવાની જરૂર પડતી નથી. તદુપરાંત જમીનનું સ્વાસ્થ્ય સુધર્યું છે .કુદરતી ખાતરને કારણે જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ પોષકતત્વો વધતા જમીન પોચી અને ફળદ્રુપ બની.આજે પ્રવીણભાઇ તેમના ખેતરમાં માત્ર એક પાક નહીં, પણ ઘઉં, બાજરી, ડાંગર, ચણા, મેથી અને શાકભાજી જેવા મિશ્ર પાકો લહેરાઈ રહ્યા છે.
ડિજિટલ યુગમાં સ્માર્ટ ખેડૂત એવા પ્રવીણભાઈ માત્ર ખેતીમાં જ નહીં, પણ વેચાણમાં પણ આધુનિક બન્યા છે. તેઓ પોતાના પ્રાકૃતિક પાકોનું વેચાણ ‘મીશો’ (Meesho) જેવા ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા કરી રહ્યા છે. જેના કારણે તેમને વચેટિયાઓ વગર સીધા ગ્રાહકો મળે છે અને તેમની આવક રાસાયણિક ખેતી કરતા બમણી થઈ ગઈ છે.
સમાજ માટે દીવાદાંડી બનીને પ્રવીણભાઈની સફળતા માત્ર તેમના પૂરતી મર્યાદિત નથી. આજે તેઓ આસપાસના ગામના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપે છે. તેઓ પોતે બનાવેલી જૈવિક દવાઓ અને ખાતર અન્ય ખેડૂતોને પૂરા પાડીને આખા પંથકને ઝેરમુક્ત ખેતી તરફ વાળવા પ્રયત્નશીલ છે.
પ્રવીણભાઈનો પ્રાકૃતિક કૃષિ વિશે જણાવતા કહે છે કે, “શરૂઆતમાં ડર હતો કે ઉત્પાદન ઘટશે, પણ હકીકતમાં ખર્ચ ઘટ્યો અને શુદ્ધતા વધી. જો ખેડૂત ધારે તો તે ધરતીને ફરી સોનું આપતી બનાવી શકે છે.”
રાજ્ય સરકારના પ્રોત્સાહન અને પ્રવીણભાઈ જેવા ખેડૂતોની મહેનતે સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે.






