
રાજપીપળા પાલિકા વિસ્તારના કસ્બાવાડ વિસ્તારમાં ડાયેરીયાના ઝાડા, ઉલ્ટીના આશરે 13 જેટલા કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા નગર પાલિકા વિસ્તારના કસ્બાવાડ વિસ્તારમાં ડાયેરીયાના ઝાડા, ઉલ્ટીના આશરે 13 જેટલા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ તરફથી મળેલા અહેવાલના આધારે રાજપીપળા નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે સતર્કતા દાખવી પાણીજન્ય રોગો અટકાવવા વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે.
નગર પાલિકાની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ કરી કસ્બાવાડ વિસ્તારમાંથી પીવાના પાણીના નમૂનાઓ લઈ ગુણવત્તા ચકાસણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી પીવા માટે યોગ્ય હોવાનું જણાયું છે. જો કે, કેટલાક સ્થળોએ રેસીડ્યુઅલ ક્લોરીનની માત્રા ઓછી/નિલ જણાતા તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા છે. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, અસરગ્રસ્ત નાગરિકોએ એક દાવત દરમિયાન ભોજન લીધા બાદ બીજા દિવસે ડાયેરીયાના લક્ષણો દેખાયા હતા.
આ સંદર્ભે રાજપીપળા નગરપાલિકાએ સમગ્ર શહેરમાં તા. 5 જાન્યુઆરીથી તા. 8 જાન્યુઆરી દરમિયાન સઘન ક્લોરીનેશન અને પાણીની ગુણવત્તા ચકાસણી ડ્રાઇવ હાથ ધરી હતી. તમામ વોર્ડમાં સ્થળ પર જ રેસીડ્યુઅલ ક્લોરીન તથા ટી.ડી.એસ.ની તપાસ કરવામાં આવી હતી. જ્યાં જરૂરી જણાયું ત્યાં સુપર ક્લોરીનેશન કરવામાં આવ્યું હતું.
નગરપાલિકા દ્વારા તમામ 7 વોર્ડમાં નિયમિત ક્લોરીનેશન, દૈનિક ક્લોરીન લેવલ મોનીટરીંગ અને તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી રહી છે. આરોગ્ય, પાણી પુરવઠા અને સફાઈ શાખાઓ વચ્ચે સતત સંકલન રાખી દૈનિક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.



