
દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૧૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તાહિર મેમણ – આણંદ- 09/01/2026 – નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ૧૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ (Scientific Advisory Committee)ની બેઠક યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ટી. આર. અહલાવતે (ઓનલાઈન માધ્યમથી) સંભાળ્યું હતું.
બેઠક દરમિયાન આગામી વર્ષ માટેના એક્શન પ્લાન-૨૦૨૬ તેમજ ખેડૂતોના સર્વાંગી ઉત્કર્ષ માટે અમલમાં રહેલી વિવિધ કૃષિ યોજનાઓ અને નવી પહેલો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કુલપતિશ્રી ડો. ટી. આર. અહલાવતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડાની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સંશોધન આધારિત ટેકનોલોજી નર્મદા જિલ્લાના દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે વધુ સઘન પ્રયાસોની જરૂર છે. સાથે જ ખેતી ખર્ચ ઘટાડીને આવક વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વ્યાપ વધારવાની ભલામણ કરી હતી. તેમણે “વન ટેકનોલોજી, વન વિલેજ” અભિગમ અપનાવી ચોક્કસ ટેકનોલોજીનું એક ગામમાં સંપૂર્ણ અમલીકરણ થાય તે દિશામાં કામ કરવાની સૂચના આપી હતી.
આ તકે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ. આર. શર્માએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નર્મદા દ્વારા હાથ ધરાતી વ્યવસાયલક્ષી તાલીમ, કૌશલ્ય વિકાસ અને માર્કેટિંગ સંબંધિત કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કે.વી.કે. દ્વારા આપવામાં આવતી અગ્રિમ હરોળ નિદર્શન (FLD) આધારિત ટેકનોલોજીનો પ્રચાર અન્ય કૃષિ સંલગ્ન વિભાગો દ્વારા પણ થવો જરૂરી છે.
બેઠકમાં ડૉ. ડી. ડી. પટેલ, આચાર્ય, કૃષિ કોલેજ, નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ દ્વારા તુવેરની નવીનતમ અને વધુ ઉત્પાદન આપતી જાતોને આગામી કાર્યક્રમોમાં સમાવિષ્ટ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડાના વડા ડૉ. એચ. યુ. વ્યાસે વર્ષ ૨૦૨૫નો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં વિવિધ તાલીમ કાર્યક્રમો, અગ્રિમ હરોળ નિદર્શન, સફળતાની વાર્તાઓ તથા ઇમ્પેક્ટ સ્ટડીઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે વર્ષ ૨૦૨૬ના એક્શન પ્લાનમાં સમિતિના સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનોનો સમાવેશ કરવામાં આવશે.
બેઠક દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો નિતાબેન વસાવા, મંજુલાબેન ગામિત, વિરસીંગભાઈ વસાવા તથા મનીષભાઈ ભગતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મળેલી તાલીમ અને ટેકનિકલ માર્ગદર્શન અંગે પોતાના સકારાત્મક અનુભવો રજૂ કર્યા હતા. ઉપસ્થિત તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે ઝીણવટપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મિનાક્ષી તિવારી તથા ડૉ. વી. કે. પોશીયા દ્વારા કરવામાં આવ્યું હતું.




