ધોળકાની દિવ્યાંગ દીકરી ધ્રુમી પટેલે રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં બ્રોન્ઝ મેડલ જીતી ધોળકાનું નામ રોશન કર્યું

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ધોળકાની દિવ્યાંગ દીકરીએ પોતાની અડગ ઇચ્છાશક્તિ અને મહેનતના બળે રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. ન્યૂ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર, ધોળકાના દિવ્યાંગ બાળકો રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભમાં નોંધપાત્ર પ્રદર્શન સાથે ઉપસી આવ્યા હતા.
હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે તારીખ 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાયેલી આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સેન્ટરના પાંચ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. તેમાં ધ્રુમી ગૌરાંગભાઈ પટેલે 100 મીટર વોક સ્પર્ધામાં શાનદાર રમતનું પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ (કાંસ્ય ચંદ્રક) પ્રાપ્ત કર્યો હતો. ધ્રુમીની આ સિદ્ધિથી ધોળકા શહેર તેમજ અમદાવાદ જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજતું થયું છે.
આ સ્પર્ધામાં સંસ્થાના અન્ય વિદ્યાર્થીઓ મો. જબીર મહંમદ યુસુફ વોરા, તેહમીનાબાનુ યાસીનમિયા શેખ, સોહાનાબાનુ મહંમદ યુસુફ વોરા અને બાદલ અશ્વિનભાઈ જાદવે પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. તમામ વિદ્યાર્થીઓએ રમતભાવના, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે સ્પર્ધામાં ભાગ લઈ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું.
વિજેતા દીકરી ધ્રુમી પટેલ તથા અન્ય સહભાગી બાળકોની આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ ભાવિનભાઈ પરમાર અને હરીશભાઈ પરમારે તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમણે શિક્ષકો, ટ્રેનરો અને વાલીઓના સતત માર્ગદર્શન, સમર્પણ અને મહેનતને પણ બિરદાવ્યા હતા. સંસ્થાના સંચાલકોનું કહેવું હતું કે દિવ્યાંગ બાળકોને યોગ્ય તક, તાલીમ અને પ્રોત્સાહન મળે તો તેઓ પણ કોઈથી ઓછા નથી, તેવું આ સિદ્ધિ સાબિત કરે છે.
દિવ્યાંગતાને માત આપીને રમતગમતના મેદાનમાં પોતાની ઓળખ ઉભી કરનાર આ બાળકો આજે માત્ર ધોળકા માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમની આ સફળતા આવનારા સમયમાં અન્ય દિવ્યાંગ બાળકોને પણ આગળ વધવા માટે ઉત્સાહ અને આત્મવિશ્વાસ પૂરું પાડશે.






