
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર અને કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની માંજરોલ–અમરેશ્વર માઇનોર કેનાલની હાલત અત્યંત કફોડી બની છે. આ કેનાલની બાજુમાંથી નર્મદા પરિક્રમા વાસીઓ માટેનો માર્ગ પસાર થાય છે, જ્યાં ભારે દુર્ગંધના કારણે પરિક્રમાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
કેનાલમાં અસંખ્ય મહાકાય વૃક્ષો ધરાશાયી થયેલા છે તેમજ ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય ઉભું થયું છે. આ વૃક્ષોના કારણે વન્ય પ્રાણીઓ કેનાલના પાણીમાં ફસાઈ જતા હોવાની ઘટનાઓ બની રહી છે. પાણીમાં ફસાયેલા પ્રાણીઓના મૃતદેહ ડીકમ્પોઝ થતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસથી પસાર થતા નર્મદા પરિક્રમા વાસીઓ અને સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે.
આ પરિસ્થિતિથી શિનોર અને કરજણ તાલુકાના ખેડૂતો પણ પરેશાન બન્યા છે. ખેડૂતો દ્વારા અનેક વખત સ્થાનિક કરજણના ધારાસભ્ય તેમજ નર્મદા નિગમના અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે, છતાં કેનાલની સફાઈ અંગે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી.
ખેડૂતો અને નર્મદા પરિક્રમા વાસીઓની સત્વરે માંગ છે કે નર્મદા નિગમ દ્વારા કેનાલની તાત્કાલિક અને સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવે, જેથી દુર્ગંધ, આરોગ્ય જોખમ અને પરિક્રમાર્થીઓની મુશ્કેલી દૂર થઈ શકે.




