
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા, ડાંગ જિલ્લામાં જગતગુરુ શ્રીમદ્ રામાનંદાચાર્ય નરેન્દ્રચાર્યજી મહારાજની પ્રેરણાથી ભવ્ય રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતુ.ડાંગ જિલ્લા રામાનંદ સંપ્રદાય દ્વારા આયોજિત આ અભિયાન અંતર્ગત બે દિવસમાં જિલ્લાના વિવિધ ચાર સ્થળોએ કેમ્પ યોજી કુલ ૩૭૦ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પનો પ્રારંભ ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને નાયબ દંડક વિજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આહવા નગરના સરપંચ હરિચંદ ભોયે,આદિજાતિ મોરચા મંત્રી સુભાષ ગાઇન, આર.એફ.ઓ.વિનય પવર, નરેશ ગવળી અને મનીષ મારકણા જેવા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.જિલ્લાના મુખ્ય પ્રવાસન અને વહીવટી મથકો પર યોજાયેલા આ કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાપુતારામાં ૧૩૫ યુનિટ,સાકરપાતળમાં ૮૭ યુનિટ,સુબીર (પીપલદહાડ)માં ૮૪ યુનિટ,આહવામાં ૬૪ યુનિટ એમ મળી કુલ ૩૭૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવેલ છે.આ કેમ્પની વિશેષતા એ રહી કે તેમાં સમાજના દરેક વર્ગે ફાળો આપ્યો હતો. સ્થાનિક વેપારીઓ, હોટેલ સંચાલકો, લારી-ગલ્લા ધારકો સહિત વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ અને આસપાસના ગ્રામીણ વિસ્તારના નાગરિકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન ડાંગ જિલ્લા રામાનંદ સંપ્રદાયના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું, જે બદલ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો..





