
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે.હોસ્પિટલના સિવિલ સર્જન (અધિક્ષક) દ્વારા સરકારી નિયમોને બાજુ પર મૂકીને લેબ ટેકનીશિયનની કરવામાં આવેલી ભરતીને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. એક તરફ આરોગ્ય સેવાઓમાં પારદર્શિતાના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ નિયમોનું ઉલ્લંઘન કરી મનસ્વી રીતે લેવામાં આવેલા નિર્ણયોથી તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે.પ્રાપ્ત વિગતો અને હોસ્પિટલના સત્તાવાર પત્ર (ક્રમાંક: જહોઆ/મકમ/૬૦૯૬-૬૧૦૦/૨૦૨૫) મુજબ, આહવા જનરલ હોસ્પિટલ ખાતે ‘સી. ફાર્માસિસ્ટ વર્ગ-૩’ ની જગ્યા ખાલી પડી હતી.નિયમ મુજબ, દવાની વહેંચણી અને મેનેજમેન્ટ માટે ફાર્માસિસ્ટની નિમણૂક અત્યંત અનિવાર્ય હોય છે. જોકે, આશ્ચર્યજનક રીતે સિવિલ સર્જને આ ખાલી જગ્યા પર આઉટસોર્સિંગ એજન્સી (D.R. Enterprise) મારફતે ‘લેબ ટેકનીશિયન’ ની ભરતી કરવા માટે આદેશ કર્યો છે.આરોગ્ય વિભાગના પ્રોટોકોલ મુજબ, જે તે હોદ્દા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારની જ નિમણૂક થવી જોઈએ. ફાર્માસિસ્ટનું કામ દવાઓનું સંચાલન કરવાનું છે, જ્યારે લેબ ટેકનીશિયનનું કામ લેબોરેટરી પરીક્ષણો કરવાનું છે.ફાર્માસિસ્ટની જગ્યાએ લેબ ટેકનીશિયનને બેસાડવાના નિર્ણયથી દવાઓના વિતરણમાં ગંભીર ભૂલ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી, જે અંતે તો આદિવાસી વિસ્તારના નિર્દોષ દર્દીઓના જીવ સાથે ચેડાં સમાન છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર નિમણૂક પ્રક્રિયામાં હોસ્પિટલના આર.એમ.ઓ. (R.M.O.) ની કોઈ પણ પ્રકારની સહમતિ લેવામાં આવી નથી.સિવિલ સર્જને પોતાની સત્તાનો દુરુપયોગ કરી બારોબાર આ નિર્ણય લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત, હોસ્પિટલના વિવિધ બિલોના પેમેન્ટમાં પણ મોટી ‘કટકી’ અને ગેરરીત્તિ આચરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. સરકારી નાણાંનો દુરુપયોગ અને માનીતાઓને પદ આપવાની આ નીતિ સામે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે.ડાંગ જેવા અંતરિયાળ જિલ્લામાં આરોગ્ય સેવાઓ પહેલેથી જ પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલના વહીવટમાં વ્યાપેલી આ અંધાધૂંધીએ તંત્રની પોલ ખોલી દીધી છે. આ મામલે ગાંધીનગર આરોગ્ય વિભાગ અને સુરત પ્રાદેશિક નિયામક કચેરી સુધી રજૂઆતો પહોંચી છે.ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે,શું ફાર્માસિસ્ટની જગ્યા પર થયેલી આ ગેરકાયદે ભરતી રદ કરવામાં આવશે ? બિલોમાં થતી નાણાકીય ગેરરીત્તિ અંગે કોઈ કડક તપાસ સમિતિ રચાશે?પોતાની મનમાની ચલાવતા જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરાશે? જોકે હવે આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો જોવું જ રહ્યુ..





