BODELICHHOTA UDAIPUR
બોડેલી નર્મદા કેનાલ માર્ગે દારૂની હેરાફેરી કરતી બાઇકનો અકસ્માત, પરિવાર ગભરાયો

વડોદરાથી કોસીંદ્રા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળેલો પટેલ પરિવાર કારમાં બોડેલીની નર્મદા મુખ્ય કેનાલ માર્ગે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અલ્હાદપુરા ગામ નજીક પૂરજોશમાં બાઇક ચલાવતા બાઇક સવારએ કારને અડફેટ મારી હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું જ્યારે બાઇક સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી.
અકસ્માત બાદ બાઇક સવાર પાસેથી દારૂની બોટલો રસ્તા પર પડેલી જોવા મળતા કારમાં સવાર પરિવાર ગભરાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દારૂની હેરાફેરી કરતા બાઇક સવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ પી અને દારૂની હેરાફેરી કરતા વાહનો કારણે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને બાઇક, સ્કૂટર અને એક્ટિવા મારફતે બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોવાના બનાવો વધતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા વાસીઓ દ્વારા પોલીસ તંત્રને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી આવા બનાવો પર નિયંત્રણ લાવવા માંગ કરવામાં આવી રહી છે.
રિપોર્ટર તોસીફ ખત્રી






