HALVAD:હળવદના ભવાનીનગર વિસ્તારમાં થયેલ ફાયરિંગની ઘટનામાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

HALVAD:હળવદના ભવાનીનગર વિસ્તારમાં થયેલ ફાયરિંગની ઘટનામાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના પાસે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી, જેને લઈને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાણવા મળતી વિગતો મુજબ વોર્ડ નંબર સાતમાં આવેલ મોગલ માતાજીના ભુવા ફિરોજભાઈ સંધિની ગૌશાળાની નજીક પલ્સર બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા. આ શખ્સોએ ગૌશાળામાં કામ કરતા વ્યક્તિને ફિરોજભાઈ ક્યાં છે તેવું પૂછ્યા બાદ દરવાજા તરફ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ બંને શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે માજીદભાઈ યુનુસભાઈ સંધિની ફરિયાદના આધારે હળવદ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉપરોક્ત ફાયરિંગની ફરિયાદ બાદ ડીવાયએસપી જે.એમ. આલે પત્રકાર પરિષદ યોજી ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ફિરોજભાઈ સંધીએ દસ દિવસ અગાઉ ધ્રાંગધ્રાના બે વ્યક્તિઓ સામે ખંડણી માંગ્યા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉની ફરિયાદનો ખાર રાખીને આ ફાયરિંગ કરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ મોરબી પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ મેળવી તેને પકડી લેવા માટે વિવિધ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.







