નર્મદા : પતંગબાજ ડો. વી. એ. રાણા છેલ્લા ૨૭ વર્ષથી, એટલે કે વર્ષ ૨૦૦૦થી પિતા સાથે પતંગ મહોત્સવમાં ભાગ લે છે

નર્મદા : પતંગબાજ ડો. વી. એ. રાણા છેલ્લા ૨૭ વર્ષથી, એટલે કે વર્ષ ૨૦૦૦થી પિતા સાથે પતંગ મહોત્સવમાં ભાગ લે છે
રાજપીપળા : જુનેદ ખત્રી
સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ–૧ ખાતે આયોજિત “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ–૨૦૨૬” માં દેશ-વિદેશના મોટી સંખ્યામાં પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મહોત્સવમાં ગુજરાત રાજ્યના આનંદ જિલ્લાના પતંગ પ્રેમી ડો. વી. એ. રાણાએ પણ પોતાની અનોખી અને વિશિષ્ટ હાજરી નોંધાવી હતી.
પતંગબાજ ડો. વી. એ. રાણાએ જણાવ્યું હતું કે તેમની ટીમનું નામ ‘લાયન કાઈટ્સ ક્લબ’ છે અને ટીમમાં કુલ પાંચ સભ્યો સામેલ છે. તેઓ આનંદ જિલ્લામાંથી આવ્યા છે અને છેલ્લા ૨૭ વર્ષથી, એટલે કે વર્ષ ૨૦૦૦થી પિતા સાથે પતંગ મહોત્સવમાં સતત ભાગ લઈ રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે તેમના પિતાને પતંગ બનાવવાનો અને પતંગ ઉડાવવાનો વિશેષ રસ હોવાથી તેમણે આ કળા પોતાના પિતા પાસેથી જ શીખી છે. આ વર્ષે તેમણે બોક્સ પ્રકારની પતંગ તૈયાર કરી છે, જે હલકા વજનની હોવાના કારણે હલકા પવનમાં પણ સરળતાથી ઉડી શકે છે.
ડો. વી. એ. રાણાએ ઉમેર્યું કે તેઓ દર વર્ષે વિવિધ પ્રકારની થીમ આધારિત પતંગોને અનોખા આકાર આપી રજૂ કરે છે, જેના કારણે પતંગ પ્રેમીઓમાં આનંદ અને ઉત્સાહનો અનુભવ થાય છે અને મહોત્સવમાં વિશેષ આકર્ષણ સર્જાય છે. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા ત્રણથી વધુ વર્ષોથી એકતાનગર ખાતે યોજાતા પતંગ મહોત્સવમાં હાજરી આપી રહ્યા છે. અહીંનું માહોલ અને વાતાવરણ એટલું અદભુત છે કે પતંગ ઉડાવનારને પણ મજા આવે છે અને દર્શકોને પણ પતંગ જોવાનો અનોખો આનંદ મળે છે.




