
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા આરોગ્ય તંત્રના સારથિ હરિભાઈ જાટીયાને ભાવભરી વિદાય અપાઈ
મુંદરા,તા.12: કચ્છ જિલ્લામાં તાજેતરમાં થયેલી વહીવટી બદલીઓના વ્યાપક દોર વચ્ચે મુંદરા તાલુકાના આરોગ્ય ક્ષેત્રે એક ભાવુક અને સ્મરણીય ક્ષણ આકાર પામી હતી. મુંદરા તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે વર્ષો સુધી અવિરત સેવા આપનાર કર્મનિષ્ઠ કર્મચારી હરિભાઈ જાટીયાની ભુજ જિલ્લા પંચાયત ખાતે બદલી થતા તેમના માનમાં એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કરતા પ્રકાશભાઈ ગોહિલે સ્વાગત પ્રવચન અને પ્રસંગ પરિચય દ્વારા ઉપસ્થિત સૌને આત્મીયતાના તાંતણે બાંધ્યા હતા. રતાડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કરે હરિભાઈની સેવાઓને હૃદયપૂર્વક બિરદાવતા પ્રેરક ઉદબોધન કર્યું હતું કે આ પ્રસંગ વિદાયનો નથી પરંતુ એક તેજસ્વી અધ્યાયના વિરામનો છે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં ફરી મુંદરાની ધરાને તેમની સેવાનો લાભ પ્રાપ્ત થશે. ભદ્રેશ્વરના સુપરવાઇઝર મનોજભાઈ સોનીએ હરિભાઈ સાથેના વર્ષો જૂના સંભારણાં વાગોળ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતોએ હરિભાઈને ‘તંત્રની ઢાલ’ તરીકે સંબોધતા જણાવ્યું હતું કે તેમની કાર્યપદ્ધતિ એક મજબૂત કવચ સમાન હતી, જેના કારણે સમગ્ર આરોગ્ય તંત્ર હંમેશા સુરક્ષિતતાનો અનુભવ કરતું હતું. તેમની વિદાયથી તંત્રમાં એક ખાલીપો સર્જાશે તેવો સૂર તેમણે વ્યક્ત કર્યો હતો.
આ આત્મીય ક્ષણોમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ ડો. મંથન ફફલએ હરિભાઈની ૩૦ વર્ષની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવતા તેમને એક કુશળ ‘કેળવણીકાર’ની ઉપમા આપી હતી અને શાયરીઓના માધ્યમથી શુભેચ્છાઓનો ગુલદસ્તો ભેટ ધર્યો હતો. ઝરપરાના મેડિકલ ઓફિસર ડો. મેહુલ બલદાણીયા અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.તીર્થ પટેલે હરિભાઈની સંકલન સાધવાની અદભુત ક્ષમતા અને પારિવારિક ભાવનાને યાદ કરી વિદાયની આ ઘડીને દુઃખદ ગણાવી હતી. આ તકે દિલીપભાઈ, રાજદીપ ડોડીયા, સહદેવસિંહ ગોહિલ અને દિલીપ મકવાણા સહિતના સાથીઓએ પણ પોતાના અનુભવોની સરવાણી વહાવી હતી. પ્રત્યુત્તરમાં ભાવુક બનેલા હરિભાઈ જાટીયાએ મુંદરાની જનતા અને સહકર્મીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે ભલે સ્થળ બદલાય પણ સેવાનો સંકલ્પ એ જ રહેશે, તેમણે મુંદરા માટે ગમે ત્યારે તત્પર રહેવાની ખાત્રી આપી હતી. નિમણૂક પામ્યા બાદ પ્રથમ વખત બદલી પામેલા જીગ્નેશ પંચાલએ મુંદરાના ઘડતર અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ સમારોહમાં માંડવી તાલુકામાં બદલી પામેલ કર્મચારી જીગ્નેશ પંચાલને પણ આદરપૂર્વક વિદાય આપવામાં આવી હતી જ્યારે માંડવીથી પધારેલા નવા તાલુકા હેલ્થ સુપરવાઇઝર ઝવેરભાઈ નાથાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં દેવલોક પામેલા માજી સુપરવાઇઝર પ્રદીપભાઈ હરિલાલ દવેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિશેષમાં હરિભાઈના બહોળા અનુભવનો લાભ મુંદરાને મળતો રહે તે માટે તમામ પુરુષ આરોગ્ય કર્મચારીઓએ એકમત થઈ ઠરાવ પસાર કરી જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ ગોહિલે પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. અંતમાં વિદાય લેતા મહાનુભાવોને સ્મૃતિભેટ અર્પણ કરી સૌએ સમૂહ ભોજન સાથે આ સ્નેહમિલનનું સમાપન કર્યું હતું.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com






















