
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી જિલ્લાના ખેરગામ ખાતે “નિપુણ ભારત” કાર્યક્રમ અંતર્ગત બી.આર.સી. ભવન, ખેરગામમાં વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિ-પેરેટરી સ્ટેજ ધોરણ ૧ થી ૨, ફાઉન્ડેશન સ્ટેજ ધોરણ ૩ થી ૫ તેમજ ધોરણ ૬ થી ૮ માટે વાર્તા લેખન અને વાર્તા કથન જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ સ્પર્ધાઓમાં જામનપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું હતું. પ્રાથમિક શાળા જામનપાડામાં ધોરણ ૧માં અભ્યાસ કરતી ઋત્વી મનોજભાઈ પટેલ તથા ધોરણ ૪માં અભ્યાસ કરતી રુહી અરૂણભાઈ પટેલે વાર્તા કથન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉપરાંત, ચિત્ર પરથી વાર્તા લેખન સ્પર્ધામાં ધોરણ ૮ની વિદ્યાર્થીની ધ્રુવીકુમારી મહેન્દ્રભાઈ ગાંવિતે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી નોંધપાત્ર સફળતા મેળવી હતી.આ તમામ વિદ્યાર્થીનીઓ હવે આગળ જઈને જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરવાની હોવાથી શાળામાં આનંદનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, સમગ્ર શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા વાલીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.




