ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ સંપૂર્ણ સજ્જ બની છે

સમીર પટેલ, ભરૂચ
ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ સંપૂર્ણ સજ્જ બની છે. પતંગોત્સવ દરમિયાન વધતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાના 34 જેટલા 108 એમ્બ્યુલન્સના કુલ 140 કર્મચારીઓ ખડે પગે હાજર રહેશે.
ગુજરાતમાં ઉત્સવપ્રિય પતંગોત્સવ તરીકે ઓળખાતી ઉતરાયણ દર વર્ષે આનંદ, ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે. ઉતરાયણનો તહેવાર 14 અને 15 જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ છેલ્લા ચારથી પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, આ બે દિવસ દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે.
છત ઉપર મોટી ભીડ, માર્ગ ઉપર વધતો ટ્રાફિક અને પતંગ ઉડાડવાની દોડધામને કારણે અકસ્માતો અને ઈજાના કેસોમાં વધારો થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.
પાછલા વર્ષોના ડેટા મુજબ,
14 જાન્યુઆરી 2026ના રોજ રાજ્યભરમાં આશરે 35.42 ટકા જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો થવાની શક્યતા છે,
જ્યારે 15 જાન્યુઆરી 2026ના રોજ આશરે 29.20 ટકાનો વધારો નોંધાઈ શકે છે.
સામાન્ય દિવસોમાં જ્યાં સરેરાશ 4424 કોલ્સ નોંધાય છે, ત્યાં 14 જાન્યુઆરીએ આશરે 5991 કોલ્સ અને 15 જાન્યુઆરીએ આશરે 5716 કોલ્સ નોંધાવાની શક્યતા છે.
ભરૂચ જિલ્લાની સ્થિતિ :
જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં અહીં 108 એમ્બ્યુલન્સ દ્વારા સરેરાશ 97 કેસ નોંધાય છે.
પરંતુ અનુમાન મુજબ,
14 જાન્યુઆરી 2026ના રોજ આશરે 100 કેસ, એટલે કે 3.09 ટકાનો વધારો,
અને 15 જાન્યુઆરી 2026ના રોજ આશરે 121 કેસ, એટલે કે 24.74 ટકા જેટલો વધારો થવાની શક્યતા છે.
ઉતરાયણ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માત, ઊંચાઈ પરથી પડી જવાના કેસ, શારીરિક હુમલા તેમજ પતંગની દોરીથી કપાઈ જવાના કેસો વધુ નોંધાતા હોય છે. તેથી આ તહેવારમાં સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા તમામ નાગરિકોને જવાબદારીપૂર્વક અને સલામત રીતે ઉતરાયણ ઉજવવાની અપીલ કરવામાં આવી છે.
શું કરવું :
ઉતરાયણમાં શું કરવું –
• સેફટી ગાઈડલાઈન્સનું પાલન કરવું
• સલામત જગ્યાએથી જ પતંગ ઉડાડવું
• રસ્તો ઓળંગતા અને વાહન ચલાવતા સાવચેત રહેવું
• અગાસી કે પતંગ ઉડાડવાની જગ્યાએ ફર્સ્ટ એડ બોક્સ રાખવું
• કોઈપણ ઇમરજન્સીમાં તરત 108 ડાયલ કરવો
શું ન કરવું :
ઉતરાયણમાં શું ન કરવું –
• પોતાની સલામતીના પગલાં અવગણવા નહીં
• ઇલેક્ટ્રીક થાંભલા કે પાવર લાઈનની નજીક પતંગ ન ઉડાડવી
• પતંગની દોરીમાં અણીદાર અથવા નુકસાનકારક સામગ્રીનો ઉપયોગ ન કરવો.



