Rajkot: વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત મારવાડી કોલેજ ખાતે યોજાયો “ગ્રીન સ્ટાર્ટઅપ : અ ફાયર ચેટ” સંવાદ

તા.૧૨/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મારવાડી કોલેજ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, કચ્છ-સૌરાષ્ટ્રનો આજ રોજ શુભારંભ કરાવ્યો હતો.
મારવાડી કોલેજના સેમીનાર હોલ ખાતે “ગ્રીન સ્ટાર્ટઅપ:અ ફાયર ચેટ” સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના વિવિધ અગ્રણીઓ અને ગ્રીન સ્ટાર્ટઅપ શરૂ કરનાર વ્યક્તિઓએ સંવાદ કર્યો હતો. જેમાં પર્યાવરણ બચાવની સાથે સ્ટાર્ટઅપ કંઇ રીતે કરી શકાય, તે માટે રાજ્ય સરકારની સહાય તથા ક્યાં પ્રકારના સ્ટાર્ટઅપની ભવિષ્યમાં જરૂરિયાત રહેશે તે અંગે વિગતવાર માહિતીસભર સંવાદ કરવામાં આવ્યો હતો.
આ સેમીનારમાં સામાજિક સંશોધક “સ્વર્ગારોહણ ઇનોવેશન”ના સ્થાપક શ્રી અર્જુનભાઈ પાઘડારે કહ્યું હતું કે, આપણે સામાજિક-ધાર્મિક પરંપરાઓનો આદર કરીને પર્યાવરણની નકારાત્મક અસરો ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. પર્યાવરણની જાળવણી માટે વ્યક્તિના ગૌરવપૂર્ણ અંતિમ સંસ્કાર કરવા માટે અમે નવીન પ્રકારની વ્યવસ્થા કરી છે. જેના કારણે વૃક્ષો, કાર્બન ક્રેડીટ અને પર્યાવરણને બચાવી શકાય છે. એક વૃક્ષને ૧૦૦ કિલો લાકડું બનાવતા ૧૦ વર્ષ લાગે અમે બનાવેલી અંતિમ સંસ્કારની ભઠ્ઠીનો ઉપયોગ કરવાથી ૩ વૃક્ષો બચાવી શકાય છે. ૩૦૦ કિલો લાકડાનો ઉપયોગ અટકાવીને ૫૦૦ કિલોની કાર્બન ક્રેડીટ જનરેટ કરી શકાય છે. આવી રીતે પર્યાવરણને અનુરૂપ સમસ્યાઓના ઉકેલો માટે જરૂરી સૂચનો જણાવ્યા હતા.
ગુજરાત સરકાર-માન્ય સ્ટાર્ટઅપ “ઇમેજિન પાવર-ટ્રી”ના સ્થાપક અને CEO શ્રી શનિ પંડ્યાએ જણાવ્યું હતું કે, સૌરઊર્જાની પહોંચ ગુજરાત અને દેશના તમામ ઘરોમાં પહોંચે તે સુનિશ્ચિત કરવું પડશે. ભારતમાં સૌર ઉર્જાના ઉત્પાદન અને ઉપયોગને ભવિષ્યમાં આગળ ધપાવવા સ્ટ્રેટેજી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં સ્થપાયેલો રીન્યુએબલ એનર્જી પાર્ક દેશના અન્ય રાજ્યોને રીન્યુએબલ એનર્જીના ઉત્પાદન અને વપરાશ માટે નવી દિશા પૂરી પાડે છે.
ટોકેરે એનર્જી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. પ્રફુલ્લા અગ્રવાલે બિઝનેસ ટ્રાન્સફોર્મેશન, એન્ટરપ્રાઇઝ સ્ટ્રેટેજી અને બ્લોકચેન ટેકનોલોજીના ઉપયોગ થકી પર્યાવરણને બચાવવાની ઝુંબેશ અંગે માહિતી આપી હતી. મહત્તમ લોકોને આ ઝુંબેશમાં જોડવા ડૉ. પ્રફુલ્લાએ અપીલ કરી હતી.
સેલેસ્ટિયલ ફ્યુઅલ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક ડૉ. ઓર્થર થોમસે એરોસ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં હાઈડ્રોજનના “ પ્લાઝમા ડાયાલીસીસ” વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક કક્ષાએ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતની મુખ્ય બે જરૂરિયાત છે. એક એનર્જી અને બીજી ઈલેક્ટ્રીસિટી. આ બંને સરળતાથી હાઇડ્રોજનમાંથી મળી રહે છે. ભારત જયારે સુપરપાવર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે ભારત અને ગુજરાતે એનર્જી સરપ્લસ બનવું પડશે.







