વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ સંપન્ન, અમદાવાદ એરપોર્ટ પરથી નવી દિલ્હી માટે રવાના

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં યોજાયેલા પોતાના ત્રિદિવસીય પ્રવાસને સફળતાપૂર્વક પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટ પરથી નવી દિલ્હી માટે પ્રસ્થાન કર્યું હતું. પ્રવાસ દરમિયાન રાજ્યમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો, લોકાર્પણો, ખાતમુહૂર્તો તેમજ જનસંપર્ક પ્રવૃત્તિઓમાં તેમણે ભાગ લીધો હતો.
અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાનને ભાવસભર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મુખ્ય સચિવ એમ. કે. દાસ, રાજકીય અગ્રણી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, એર માર્શલ તેજેન્દ્ર સિંઘ, અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી કે. એલ. એન. રાવ, અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જલવંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વડાપ્રધાનના આ ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ યોજનાઓને ગતિ મળી હતી. વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાને વિકાસકાર્યોની સમીક્ષા કરી અને રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે ગુજરાતના વિકાસ મોડેલને દેશ માટે પ્રેરણારૂપ ગણાવ્યો હતો.
એરપોર્ટ પર વિદાય સમયે વડાપ્રધાન અને ઉપસ્થિત મહાનુભાવો વચ્ચે સૌજન્ય મુલાકાત પણ થઈ હતી. સમગ્ર પ્રસંગ સ્નેહ, ઉત્સાહ અને આત્મીય વાતાવરણથી ભરેલો રહ્યો હતો. રાજ્યના વિકાસ માટે વડાપ્રધાનના માર્ગદર્શન અને સહકાર બદલ રાજ્યના નેતૃત્વ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાનના આ પ્રવાસથી રાજ્યમાં વિકાસની ગતિને નવી દિશા મળી હોવાનું જણાઈ રહ્યું છે અને આગામી સમયમાં ગુજરાતને વધુ પ્રગતિશીલ બનાવવાના સંકલ્પને મજબૂતી મળી છે.








