Rajkot: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત “ગુણવત્તા ચક્ર : ભારત માટે વિશ્વસ્તરીય ઉત્પાદનોનું નિર્માણ” વિષય પર સેમિનાર યોજાયો

તા.૧૨/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે “ગુણવત્તા ચક્ર : ભારત માટે વિશ્વસ્તરીય ઉત્પાદનોનું નિર્માણ” વિષય પર સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં ઔદ્યોગિક એકમો તથા વિવિધ ક્ષેત્રોમાં ગુણવત્તાનું મહત્વ શું છે તે અંગે વિવિધ વક્તાઓ દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વેપાર ક્ષેત્રે લાગુ પડતા કાયદા, નીતિ-નિયમોનું પાલન કરવું કેમ અનિવાર્ય છે તથા તેના પરિણામે ઉત્પાદનોની ગુણવત્તા કેવી રીતે જળવાઈ રહે છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનારમાં વક્તાઓએ વેપાર ક્ષેત્ર માટે ભારતીય માનક બ્યુરો (BIS)ની ભૂમિકા, કામગીરી અને કાર્યક્ષમતાની વિગતવાર માહિતી આપી હતી. કોઈપણ ઉત્પાદનની ગુણવત્તા, સલામતી અને વિશ્વસનીયતાની તપાસ અને મૂલ્યાંકન દ્વારા ગ્રાહકોમાં ઉત્પાદનો પ્રત્યે વિશ્વાસ ઊભો કરવામાં ભારતીય માનક બ્યુરો મહત્વની ભૂમિકા ભજવે છે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. ઉપરાંત, ભારતીય માનક બ્યુરોની વિવિધ યોજનાઓ તથા તેના લાભો અંગે પણ હાજર રહેલાને માહિતગાર કરવામાં આવ્યા હતા. વક્તાઓએ વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત – ૨૦૪૭”ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવી અત્યંત આવશ્યક હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત, સેમિનારમાં સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં અન્ય દેશોના ઉત્પાદનો સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરી શકે તે માટે ગુણવત્તા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.







