Rajkot: રાજકોટ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’માં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ હબ બનાવવા અંગે ચર્ચા કરાઈ

તા.૧૨/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
મશીન ટૂલ્સ, લેસર ટેકનોલોજી અને ગ્રીન મશીન્સ જેવા આધુનિક પ્રવાહો દ્વારા ઉદ્યોગોની કાર્યક્ષમતા વધારવા નિષ્ણાતોનું માર્ગદર્શન
Rajkot: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ અંતર્ગત ગુજરાતના મેન્યુફેક્ચરિંગને વેગ આપવા “મશીન ટૂલ્સ અને એડવાન્સ ટેકનોલોજીમાં ઉભરતા પ્રવાહો” વિષય પર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નામાંકિત ઉદ્યોગકારો અને ટેકનોલોજીના તજજ્ઞ ઉપસ્થિત રહીને આ ક્ષેત્રની ભાવિ સંભાવનાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં IMTMA(INDIAN MACHINE TOOLS MANUFACTURE’S ASSOCIATION) ના પૂર્વ પ્રમુખ શ્રી પરાક્રમસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન આપતા ઉદ્યોગકારોને આધુનિક મશીનરી અપનાવવા આહ્વાન કર્યું હતું, જ્યારે IMTMA ના શ્રી પ્રસાદ પેંડસેએ બજારની વર્તમાન સ્થિતિ અને ઉદ્યોગ માટે રહેલી ઉજ્જવળ તકોનો ચિતાર રજૂ કર્યો હતો.
રાજકોટ મશીન ટૂલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી યોગીન ચનિયારાએ ગુજરાતમાં, અને ખાસ કરીને રાજકોટમાં મશીન ટૂલ ઉદ્યોગના પ્રદાન વિશે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યના વિકાસમાં આ ક્ષેત્ર કરોડરજ્જુ સમાન છે. ટેકનોલોજીકલ સત્રોમાં જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ દ્વારા મલ્ટીટાસ્કિંગ મશીન ટૂલ્સ, હાઇ-સ્પીડ મશીનિંગ અને પર્યાવરણને અનુકૂળ ‘ગ્રીન મશીન્સ’ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સહજાનંદ લેસર ટેકનોલોજી લિમિટેડના AGM શ્રી ભદ્રેશ પટેલે લેસર-આધારિત મેન્યુફેક્ચરિંગ, લેસર કટીંગ અને વેલ્ડિંગ ટેકનોલોજીના ઉભરતા પ્રવાહો પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમના અંતિમ ચરણમાં સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ શ્રી અભિષેક સુચકે કેલિબ્રેશન પ્રક્રિયા દ્વારા મશીનો અને સાધનોની કાર્યક્ષમતા અને ચોકસાઈ કેવી રીતે વધારી શકાય તે અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંમેલનમાં સ્થાનિક ઉદ્યોગકારો તથા પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમના માટે આ સંમેલન નવી ટેકનોલોજી અને નેટવર્કિંગના માધ્યમથી ખૂબ જ ફળદાયી અને માર્ગદર્શક સાબિત થયું હતું.







