
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા : દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા ભિલોડા એસટી ડેપો મેનેજર જે.આર.બૂચ ફરજમાં ગંભીર અનિયમિતતા બદલ સસ્પેન્ડ
સસ્પેન્ડેડ ડેપો મેનેજર જે.આર.બૂચ ઉચ્ચ અધિકારીઓને પણ ન ગાંઠતા, ડેપોના કર્મચારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અરવલ્લી જિલ્લાના ભિલોડા એસટી ડેપોના મેનેજર તરીકે ફરજ બજાવતા જે.આર.બૂચ દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા બાદ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાતા સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડ્યા હતા. આ ઘટનાથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની પ્રતિષ્ઠાને મોટો આંચકો પહોંચ્યો હતો.ડેપો મેનેજરે બાદમાં એક વીડિયો વાયરલ કરી પોલીસ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનું અને પોતે એસટી કર્મચારીઓ પર ફરજ દરમિયાન કડકાઈ અને શિસ્ત લાગુ કરતો હોવાનો દાવો કરી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના આ વર્તન અને જાહેર થયેલા મામલા બાદ એસટી તંત્રમાં ભારે અસંતોષ ફેલાયો હતો.સરકારની છબી ખરાબ ન થાય અને તંત્રની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે હિંમતનગર વિભાગ હેઠળ આવતા ભિલોડા એસટી ડેપોના મેનેજર જે.આર.બૂચને ફરજમાં ગંભીર અનિયમિતતા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.વિભાગીય તપાસમાં સામે આવ્યું છે કે શામળાજી મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખી ભિલોડા ડેપોથી ૧૦ બસો ફાળવવામાં આવી હતી. તે દરમિયાન બસની મરામત અને સફાઈ માટે નિયુક્ત ૧૧ મિકેનિકોમાંથી ૮ મિકેનિક થોડાક મિનિટ મોડા પહોંચતા ડેપો મેનેજરે તેમને સસ્પેન્ડ કરવાનો બેદરકાર અને અવિચારી નિર્ણય લઈ લીધો હતો, જેના કારણે બસોની સફાઈ અને મરામતમાં ગંભીર અસર પડી હતી.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સતત સરકારી મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા હતા, છતાં ડેપો મેનેજરે ફોન ઉપાડ્યો ન હતો. એટીઆઈ મારફતે વાત કરવાનો પ્રયાસ કરાયો ત્યારે પણ વાત કરવા સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. બાદમાં તંત્રને ગેરમાર્ગે દોરવા માટે બીમારીનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરાયું હોવાનો પણ ગંભીર આક્ષેપ છે.આ તમામ ગંભીર અનિયમિતતાઓ અને અણશિસ્તભર્યા વર્તનને ધ્યાનમાં રાખી એસટી તંત્ર દ્વારા જે.આર.બૂચને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને તેમને વિભાગીય કચેરીએ હાજર રહી રોજની હાજરી પુરાવાની તાકીદ પણ કરવામાં આવી છે.ભિલોડા એસટી ડેપોમાં આ કાર્યવાહી બાદ કર્મચારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે, જ્યારે સમગ્ર અરવલ્લી જિલ્લામાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.




