
રાજ્યકક્ષા ખેલ મહાકુંભ ૨૦૨૫: આર્ચરીમાં મહીસાગરના રમતવીરોનો દબદબો; ૩ ગોલ્ડ સહિત કુલ ૧૩ મેડલ જીત્યા
*****
મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા વિજેતા ખેલાડીઓનું સન્માન કરાયું♦
*****

અમીન કોઠારી મહીસાગર
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘ખેલ મહાકુંભ ૨૦૨૫’ અંતર્ગત ગોધરા (પંચમહાલ) ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની અંડર-૧૪ આર્ચરી (તિરંદાજી) સ્પર્ધામાં મહીસાગર જિલ્લાના ખેલાડીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ગોધરાના કનેલાવ તળાવ ખાતે ૦૬ થી ૦૯ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાના રમતવીરોએ પોતાની અદભૂત કુશળતાનું પ્રદર્શન કરી ૩ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મળી કુલ ૧૩ મેડલ જીતી મહીસાગર જિલ્લાનું નામ રાજ્યસ્તરે રોશન કર્યું છે.
આ ભવ્ય સિદ્ધિ મેળવનાર રમતવીરો માટે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર શ્રી અર્પિત સાગર દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને પુષ્પગુચ્છ અને પ્રોત્સાહન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.વી. લટા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દક્ષેશ કહાર સહિત વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ અને ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરશ્રીએ ખેલાડીઓની આકરી મહેનત અને ટ્રેનર્સના યોગ્ય માર્ગદર્શનને બિરદાવતા ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રીય સ્તરે પણ જિલ્લાનું નામ ચમકાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
મેડલ વિજેતાઓની વિગતવાર સિદ્ધિ જોઈએ તો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ‘ઈન સ્કૂલ’ યોજના હેઠળ તાલીમ મેળવતા મુરલીધર હાઇસ્કુલ (સંતરામપુર) ના ડામોર વિરેનભાઈએ ૨ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ મેળવી સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે. તેવી જ રીતે પરમાર વૈભવીબેને ૧ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઉપરાંત મકવાણા ધ્રુમિલ અને સોની કુણાલ (મુરલીધર હાઇસ્કુલ) તથા નીલકંઠ વિદ્યા મંદિર (ગાંગટા) ના સલાટ વિશાલે પણ સિલ્વર મેડલ જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આ પ્રતિભાશાળી ખેલાડીઓએ મર્યાદિત સાધનો અને આધુનિક તાલીમના સમન્વયથી રાજ્ય કક્ષાએ જે પદાર્પણ કર્યું છે, તે અન્ય યુવા રમતવીરો માટે પ્રેરણારૂપ બનશે. ટ્રેનર કમલેશ વસાવા અને બાબુભાઈ રાવતના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ ખેલાડીઓએ સાબિત કરી દીધું છે કે જો યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો ગ્રામીણ રમત પ્રતિભાઓ પણ સફળતાના શિખરો સર કરી શકે છે.




