
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી એસ.સી.મોરચાનાં માજી મહામંત્રી મયુર બિરાડેએ આહવા નગરની દેવલપાડા, ડુંગરી તેમજ બંધારપાડા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી હતી.આ અવસરે તેમણે આંગણવાડીમાં ભણતા નાના ભૂલકા બાળકોને પતંગ, ફિરકી તેમજ લાડુનું વિતરણ કરી બાળકો સાથે આનંદભર્યા પળો વિતાવ્યો હતો.ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખી યોજાયેલા આ કાર્યક્રમથી બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.પતંગ અને ફિરકી હાથમાં લઈ બાળકો ઉત્સાહપૂર્વક રમ્યા હતા અને મીઠાઈ મળતા આનંદિત બન્યા હતા.આ પ્રસંગે મયુરભાઈ બિરાડેએ જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમની ખુશી માટે સમાજના દરેક વર્ગે આગળ આવી સહયોગ આપવો જરૂરી છે.આંગણવાડી કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે આવા નાનકડા પ્રયાસો પણ બાળકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારતા હોય છે.આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો તથા સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા અને આ સેવાભાવી પહેલને સરાહના વ્યક્ત કરી હતી..





