MORBI મોરબી નવલખી બંદરે વે-બ્રિજના ભાવ ઘટાડવા લઈને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પીપળીયા ચાર રસ્તા પર રોડ ચક્કાજામ કર્યો

MORBI મોરબી નવલખી બંદરે વે-બ્રિજના ભાવ ઘટાડવા લઈને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પીપળીયા ચાર રસ્તા પર રોડ ચક્કાજામ કર્યો
મોરબીના નવલખી બંદરે વે-બ્રિજના ભાવ ઘટાડવા અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા બાબતે આજ રોજ નવલખી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પીપળીયા ચાર રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકો એકઠાં થયા હતા અને રસ્તો રોકીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ચક્કાજામના કારણે પીપળીયા ચાર રસ્તા પર મોરબી, નવલખી, માળિયા અને જામનગર જવાના ચારેય રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ માળિયા અને મોરબી તાલુકા પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવવા પ્રયત્નો કર્યા હતા. ચક્કાજામના પગલે ચારેય બાજુના રસ્તા પર 3 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિકજામ થયો છે. જો કે પોલીસે મધ્યસ્થી કરતાં પોર્ટ અધિકારીઓએ થોડા સમયમાં સ્થળ પર આવવાની ખાતરી આપી હતી જેથી પોલીસે ટ્રાફિકજામ હળવો કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
વઘુ સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ અંગે અમે ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે. પરંતુ અંતે નાછુટકે અમારે રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું છે. જો હજું પણ માગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તમામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકો નવલખી ગેટ પર બેસીને ભુખ હડતાળ પર ઉતરીશું. દરરોજ 1000 જેટલા ટ્રકો ચાલે છે અને દરેક ટ્રક પેટે 450 રૂપિયા વે-બ્રિજના લેવામાં આવે છે. અમારી માગણી છે કે 450માંથી ઘટાડીને 250 રૂપિયા કરવામાં આવે. ગુજરાત મેરિટાઈમ બોર્ડનો કાંટો હતો તે કાઢી નાખવામાં આવ્યો છે તે ફરીથી ચાલુ કરવા અમારી માગણી છે.
જ્યાં સુધી કોઈ અધિકારી આવીને અમારી માગણી નહીં પૂરી કરી ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.









