ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પટમાં ખનિજ ચોરો બેફામ બન્યા છે, ત્યારે ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામ નજીક નદી નદીના પ્રવાહમાં નાવડીઓ ઉતારીને ચાલી રહેલા મોટા પાયે રેતી ખનનનો પર્દાફાશ થયો છે. જાગૃત નાગરિકોની સમયસૂચકતા અને ખાણ ખનીજ વિભાગની સતર્કતાને કારણે ગેરકાયદેસર રેતી ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે.જૂની તરસાલી ગામની પ્રાથમિક શાળા નજીક પાછળના ભાગે નર્મદા નદીના પટમાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા યાંત્રિક નાવડીઓ મૂકીને રેતીનું ગેરકાયદેસર ઉત્ખનન કરવામાં આવી રહ્યું હતું. આ બાબતની જાણ સ્થાનિક જાગૃત નાગરિકોને થતા તેઓએ તાત્કાલિક ભરુચ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગને બાતમી આપી હતી, સ્થાનિકોની બાતમીના આધારે અધિકારીઓની ટીમે સ્થળ પર દરોડા પાડતા ખનીજ ચોરોમાં ફાળ પડી ગઈ હતી, સ્થળ પરથી તપાસ દરમિયાન:
૦૨ યાંત્રિક નાવડીઓ (બોટ),
૦૨ બાજ નાવડાઓ જેવા સાધનો ગેરકાયદે ખનન કરતા રંગેહાથ ઝડપાયા હતા. અધિકારીઓએ તમામ સાધનો કબજે કરી સ્થળ પર પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.રસ્તાના અભાવે નદીના પટમાં જ સાધનો ‘સીલ’ કરાશે
હાલમાં જે તે વિસ્તારમાં રસ્તાનું કામ ચાલુ હોવાથી ભારેભરખમ ક્રેન ઘટનાસ્થળ સુધી પહોંચી શકે તેમ નથી. આ ટેકનિકલ મુશ્કેલીને જોતા, તંત્ર દ્વારા આ બંને યાંત્રિક નાવડીઓ અને બાજ નાવડાઓને સુરક્ષિત રીતે નદી કિનારે લાવીને સ્થળ પર જ સીલ મારવાની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે, ભૂ માફીયાઓ દ્વારા હાલમાં નવો કીમિયો અપનાવામાં આવ્યો છે કોઈ પણ વિસ્તારમાં લીઝ હોય પરંતુ નદીના પટમાં જ્યાં રેતી જણાય ત્યાં સરકારી વિસ્તારમાંથી યાંત્રિક નાવડીઓ મોટા બાજ નાવડાઓની મદદ વડે રેતી ઉલેચી બીજા સ્થળે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવે છે અને ત્યાંથી વહન કરવામાં આવતી હોય છે આવા ખનિજ ચોરો સામે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે, ગ્રામજનોની સમય સૂચકતાને કારણે તંત્ર દ્વારા યાંત્રિક નાવડીઓ અને બાજ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ હવે અહીંયા સવાલ એ છે કે તંત્રની આ કાર્યવાહી બાદ શું ભૂમાફિયાઓ પર લગામ આવશે ખરી? શું ખાણ ખનીજ વિભાગ આ કેસમાં સંડોવાયેલા મોટા માથાઓ સુધી પહોંચશે કે પછી માત્ર સાધનો જપ્ત કરીને સંતોષ માનશે? તે જોવું રહ્યું
ઈરફાન ખત્રી
રાજપારડી 








