
નર્મદા : જિલ્લા વિકાસ અધિકારીએ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના પ્રસ્થાન સ્થળ રામપુરા ઘાટની મુલાકાત કરી નિરિક્ષણ કર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં દર વર્ષે પવિત્ર ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સુચારૂ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ પૂર્વ આયોજનના ભાગરૂપે આજે જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાએ નાંદોદ તાલુકાના રામપુરા ખાતે આવેલ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના પ્રસ્થાન સ્થળ એવા રામપુરા ઘાટની મુલાકાત લઈ વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના અધિકારીઓ પણ તેમની સાથે જોડાયા હતા.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ આશરે ૧૪ કિ.મી. લાંબી પગપાળા પંચકોશી પરિક્રમા કરે છે. આ પરિક્રમામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેવા માટે આવે છે.
પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ (રણછોડરાયજી મંદિર)થી પ્રારંભ થઈ શહેરાવ ઘાટ, તિલકવાડા સ્થિત મણીનાગેશ્વર મંદિર, રેંગણ ઘાટ તથા કીડીમંકોડી ઘાટની પરિક્રમા કરી પરત રામપુરા ઘાટ ખાતે પૂર્ણ થાય છે. આ સમગ્ર પરિક્રમા માર્ગ પર શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે.
પરિક્રમા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ, રાત્રિ દરમિયાન પૂરતી પ્રકાશ વ્યવસ્થા, તમામ ઘાટો પર ફાયર બ્રિગેડની વ્યવસ્થા, પીવાના પાણી, છાંયડાની સુવિધા, આરોગ્ય સેવાઓ માટે સેવાકેન્દ્રો તેમજ ડોમની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ નિરીક્ષણ દરમિયાન જણાવ્યું હતું. સાથે જ, પરિક્રમા રૂટની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી




