
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા ધારાસભ્યના હસ્તે કરૂણાસભર પહેલ
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલા પક્ષીઓને થતી ઇજાઓ અટકાવી તેમની તાત્કાલિક સારવાર દ્વારા જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા તા. ૧૦/૦૧/૨૦૨૬ થી તા. ૨૦/૦૧/૨૦૨૬ દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન-૨૦૨૬ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે શાંતાદેવી રોડ સ્થિત મહાવીર કરૂણા મંડળ ખાતે પક્ષીઓ માટેના સારવાર કેન્દ્ર, રેસ્ક્યૂ એન્ડ રેહાબ ફાઉન્ડેશન તેમજ ઓપરેશન થિયેટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, સામાજિક વનીકરણ વિભાગના ડીસીએફ ઉર્વશી આઈ પ્રજાપતિ, સુપા રેન્જના આર.એફ.ઓ હીનાબેન પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તથા એનજીઓના સ્વયંસેવકો હાજર રહ્યા હતા.
ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ કરૂણા અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ અને એનજીઓ દ્વારા ઉત્તરાયણ દરમિયાન ગગનમાં વિહરતા પક્ષીઓના બચાવ માટે કરવામાં આવી રહેલી સેવાભાવી કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની કરૂણાસભર પહેલથી અનેક અબોલા જીવ બચી શકે છે અને સમાજમાં જીવદયા અંગે સકારાત્મક સંદેશ જાય છે.
આ ઉપરાંત જલાલપોર લીમડા ચોક ખાતે આવેલ વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી સંચાલિત બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લઈ યાયાવર ગણાતા પેઈન્ટેડ સ્ટોર્ક પક્ષીઓની કોલોનીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લામાં કરૂણા અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા કક્ષાએ પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો, રેસ્ક્યૂ ટીમો અને વેટરનરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઘાયલ પક્ષીઓ દેખાય તો રાજ્યવ્યાપી ૧૯૬૨ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા તેમજ નજીકના સારવાર કેન્દ્ર સુધી જાણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
—૦૦૦—
બોક્ષ વિગત :
કરુણા અભિયાન નવસારી હેઠળ સંપર્ક નંબર
કરૂણા અભિયાન -૨૦૨૬ નવસારી સુપા રેન્જમાં વિસ્તારમાં આવેલ (૧) ભગવાન મહાવીર કરૂણા મંડળ, શાંતા દેવી રોડ નવસારી કેમ્પના શ્રી જૈનમ મહેતા મો: ૯૪૦૮૧ ૮૯૬૯૭ (૨) રેસ્ક્યૂ એન્ડ રેહાબ ફાઉન્ડેશનના શ્રી પાર્થ વશી, મો: ૯૬૨૪૦ ૦૧૦૦૬ (૩) શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ, સેન્ટ્રલ બેંક મધુમતી નવસારીના શ્રી કેવળ શાહ મો:૭૪૦૫૦ ૩૫૦૩૧ (૪) એનીમલ સેવિંગ ગ્રુપ, શિવાજી ચોક વિજલપોરના શ્રી બ્રિજેશ સખીવાલા મો: ૯૬૦૧૮ ૪૪૯૯૪ (૫) વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, લીમડા ચોક જલાલપોરના શ્રી ચિંતન મહેતા મો: ૯૯૭૮૦ ૧૬૩૩૧ (૬) એનીમલ સેવિંગ સોસાયટી, મરોલી બજારના શ્રી તરંગ શાહ, મો:૯૮૯૮૨ ૨૧૧૨૭ (૭) વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન, એરુ ચાર રસ્તા નવસારીના શ્રી ભાવેશ પટેલ મો:૯૮૨૫૬ ૬૯૭૧૨૩ અને ગણદેવી રેન્જમાં આવેલ વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન, બીલીમોરા ફાયર સ્ટેશનના શ્રી ભાવેશ રાઠોડ મો: ૭૦૧૬૧ ૯૯૬૫૮ પર સંપર્ક કરી શકાય.





