
કાયદા સાથે કરુણા: ઉત્તરાયણમાં રાજપારડી પોલીસની સરાહનીય કામગીર
રાજપારડી પોલીસની માનવતા ઉત્તરાયણ પર્વે વાહનચાલકોની સુરક્ષા માટે સુરક્ષા કવચનું વિતરણ.ગળામાં દોરી ન ફસાય તે માટે પહેલ: બાઇક ચાલકોને સેફ્ટી ગાર્ડ (તાર) લગાવી આપી સુરક્ષા સુનિશ્ચિત કરી.
બાળકોના ચહેરા પર સ્મિત: ગરીબ બાળકોને પતંગ વહેંચી રાજપારડી પોલીસે ઉજવી અનોખી ઉત્તરાયણ.ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગની કાતલ દોરી વાહનચાલકો માટે જીવલેણ સાબિત થતી હોય છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોના ગળામાં દોરી ફસાવાને કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. આ જોખમને ટાળવા માટે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની રાજપારડી પોલીસ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
રાજપારડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા માર્ગ પરથી પસાર થતા બાઇક ચાલકોને રોકીને તેમના વાહન પર ‘સેફ્ટી ગાર્ડ’ એટલે કે લોખંડના સુરક્ષા તાર લગાવી આપવામાં આવ્યા હતા. આ તાર લગાવવાથી જો પતંગની દોરી સામેથી આવે, તો તે સીધી ચાલકના ગળાને બદલે આ તારમાં ફસાઈ જાય છે, જેથી મોટી જાનહાનિ નિવારી શકાય છે.માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ પોલીસે સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવ્યું હતું. ઉત્તરાયણના આનંદથી કોઈ વંચિત ન રહી જાય તે માટે પોલીસે વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને પતંગોનું વિતરણ કર્યું હતું. પતંગો મેળવીને બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી.
પોલીસની આ “સેફ્ટી અને સ્મિત” વાળી કામગીરીને રાજપારડી પંથકની જનતાએ બિરદાવી છે. કાયદો અને વ્યવસ્થાની સાથે માનવતા મહેકાવતી આ કામગીરી અન્ય પોલીસ મથકો માટે પણ પ્રેરણારૂપ બની છે.
ઈરફાન ખત્રી
રાજપારડી 














