
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં શિક્ષક દંપતિની માનવતાભરી ઉત્તરાયણ: 150થી વધુ જરૂરિયાતમંદોને ઉંધીયું-પૂરી અને જલેબીનું વિતરણ
ઉત્તરાયણ પર્વ એટલે પતંગ ચગાવવાની મજા સાથે ઉંધીયું-જલેબીનો રસાસ્વાદ. પરંતુ મોડાસામાં એક શિક્ષક દંપતિએ આ પર્વને માનવસેવાના અનોખા સ્વરૂપમાં ઉજવી સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે.સાયરા ગામના વતની અને હાલ સબલપુર પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા વિજયભાઈ પ્રજાપતિ તથા માધુપુર પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે સેવારત તેમના પત્ની આશાબેન પ્રજાપતિએ સતત ત્રીજા વર્ષે ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ શિક્ષક દંપતિએ મોડાસા શહેરના માલપુર રોડ રેલ્વે સ્ટેશન વિસ્તારથી લઈ મેઘરજ રોડના વિવિધ વિસ્તારોમાં ફરીને 150થી વધુ જરૂરિયાતમંદોને ઉંધીયું, પૂરી અને જલેબી ભોજન કરાવ્યું હતું.નાના ભૂલકાઓથી લઈને વયોવૃદ્ધ લોકો સુધી સૌ કોઈએ આ માનવતાભરી સેવાથી આનંદ વ્યક્ત કર્યો હતો. જરૂરિયાતમંદોના ચહેરા પર ખુશીની ઝલક જોઈને શિક્ષક દંપતિ અને તેમના પરિવારજનોને પણ આંતરિક સંતોષ અને આનંદની અનુભૂતિ થઈ હતી.ઉત્તરાયણ પર્વને માત્ર મોજ-મસ્તી પૂરતું સીમિત ન રાખી, માનવસેવા સાથે જોડીને ઉજવવાની આ પહેલ શહેરમાં પ્રશંસનીય બની છે. શિક્ષક દંપતિની આ સેવા ભાવનાએ અન્ય લોકોને પણ આવા પવિત્ર કાર્ય માટે પ્રેરણા આપી છે.





