અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિકો સાથે પતંગ ચગાવી મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિક રહીશો સાથે કરી હતી. પરંપરા, લોકસંસ્કૃતિ અને ઉત્સાહથી ભરપૂર આ ઉજવણીમાં મુખ્યમંત્રીની હાજરીએ પર્વને વિશેષ યાદગાર બનાવ્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને સૌના જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ વધે તેવી કામના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉત્તરાયણ માત્ર પતંગોત્સવ નથી, પરંતુ તે આનંદ, એકતા અને સંસ્કૃતિક વારસાનો પ્રતિક છે, જે ગુજરાતની ઓળખને વધુ ઉજાગર કરે છે.
જેમ પતંગ આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવી પર્વનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિક રહીશો અને પોળવાસીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
પોળના રહીશોએ પોતાના ધાબા પરથી હર્ષનાદ અને અભિવાદન સાથે મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ સૌના અભિવાદનનો સહર્ષ સ્વીકાર કરી લોકો સાથે આત્મીય સંવાદ સાધ્યો અને પરંપરાગત ઉત્સવની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
આ ઉજવણીમાં અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, સ્થાનિક કાઉન્સિલરો તથા અન્ય રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.
મુખ્યમંત્રી સાથે પતંગબાજીનો આનંદ માણવાની તક મળતાં ઉપસ્થિત નાગરિકો અને પતંગરસિયાઓ માટે આ મકરસંક્રાંતિ વિશેષ સ્મરણિય બની રહી હતી. સમગ્ર વિસ્તારમાં પરંપરા, ઉત્સાહ અને લોકભાવનાનો સંગમ જોવા મળ્યો હતો, જે ગુજરાતની જીવંત સંસ્કૃતિનું પ્રતિબિંબ બની રહ્યો હતો.









