
ફૈઝ ખત્રી… શિનોર
વડોદરા જિલ્લાના શિનોર ખાતે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાતક દોરીથી ઇજા પામતા પશુ-પક્ષીઓના બચાવ અને સારવાર માટે સરકારના કરૂણા અભિયાન અંતર્ગત સામાજિક વનિકરણ રેન્જ, શિનોર તેમજ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ દ્વારા કરૂણા અભિયાન કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે.
ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી અનેક આબોલ પક્ષીઓ ઇજાગ્રસ્ત બનતા હોવાથી જિલ્લા અને તાલુકા કક્ષાએ પક્ષી બચાવ કેમ્પ (કલેક્શન સેન્ટર) શરૂ કરવામાં આવ્યા છે. શિનોરના આ કેમ્પમાં વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના વોલન્ટિયરો તથા વન વિભાગના કર્મચારીઓ દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરી દવાઓ અને સારવાર સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના ભરતભાઈ મોરેની ટીમના વોલન્ટિયરોના મોબાઈલ નંબર, શિનોર વન વિભાગના વન રક્ષક વિપુલભાઈ રબારીનો સંપર્ક નંબર તેમજ વન વિભાગની ૨૪x૭ હેલ્પલાઈન ૧૯૨૬, કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન ૧૯૬૨ અને વોટ્સએપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ જેવી માહિતી કેમ્પ ખાતે માહિતી બોર્ડ પર દર્શાવવામાં આવી છે.
ઉત્તરાયણ દરમિયાન કોઈ પણ ઇજાગ્રસ્ત પક્ષી દેખાય તો તરત જ ઉપરોક્ત નંબર પર સંપર્ક કરવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.




