ઉત્તરાયણના પર્વ દરમિયાન રેતી લીઝ વિસ્તારમાં બાળકી ડૂબી મોત, ગ્રામજનોમાં રોષ
સમગ્ર દેશ સહિત છોટાઉદેપુર જિલ્લો જ્યારે ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામની રેતી લીઝ વિસ્તારમાં એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. રેતી લીઝ ધારકોની બેદરકારીના કારણે 13 વર્ષની એક માસુમ બાળકીનો જીવ ગુમાવવો પડ્યો હોવાના આક્ષેપ સાથે સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
મૃત બાળકી ગંભીરપુરા ગામની રહેવાસી કોમલબેન સંજયભાઈ રાઠવા (ઉંમર 13 વર્ષ) હતી. કોમલબેન રોજની જેમ અન્ય બાળકો સાથે રમતી હતી. રમતા રમતા તેનો ફુગ્ગો ઉડી જતા તે સુખી નદીના કાંઠે આવેલી રેતી લીઝ વિસ્તારમાં પહોંચી ગઈ હતી. રેતી ખનનની કામગીરી દરમિયાન ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં પાણી ભરાયેલું હતું. અજાણતા બાળકી આ ખાડામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાળકીના અચાનક અને કરૂણ મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ દુર્ઘટનાને લઈને ગ્રામજનોએ આડેધડ અને ગેરકાયદેસર રેતી ખનન સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે રેતી લીઝ ધારકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી મોટા અને ઊંડા ખાડા ખોદી ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જે બાળકો સહિત ગ્રામજનો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.
લીઝ માફિયાઓની બેદરકારીના કારણે એક નિર્દોષ બાળકીનો જીવ ગયો હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ રેતી લીઝ વિસ્તારની તાત્કાલિક માપણી કરી જવાબદાર લીઝ માલિકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.
ઘટનાને પગલે પાવી જેતપુર પોલીસે પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખોદાયેલા ખાડાઓની માપણી તથા સર્વેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હાલ પરિસ્થિતિ એવી બની છે કે ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા’ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં એક માસુમ બાળકીનો જીવ ગયો છે. હવે જોવાનું રહ્યું કે ખાણ-ખનિજ વિભાગ અને પ્રશાસન રેતી લીઝ માફિયાઓ સામે કેટલી કડક કાર્યવાહી કરે છે.
રિપોર્ટર તોસીફ ખત્રી





