
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કહેવાય છે કે “રામ રાખે તેને કોણ ચાખે”, આ ઉક્તિ આજે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે સાર્થક થઈ છે.૧૩ વર્ષ પહેલા ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં વાનરચોંડ ગામનો દીકરો અચાનક ગાયબ થઈ ગયો હતો અને પરિવારે જેની આશા છોડી દીધી હતી, તે દીકરાને ડાંગ જિલ્લાની વઘઇ પોલીસની ટીમે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે.મૂળ વાનરચોંડ (તા. વઘઇ, જિ. ડાંગ)નાં વતની રણજીતભાઈ ચિંતુભાઈ ચૌધરી વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન વાપીની રાફેલ કોલેજમાં અભ્યાસ કરતા હતા.તે સમયે કોઈને પણ જાણ કર્યા વગર તેઓ હોસ્ટેલમાંથી ક્યાંક નીકળી ગયા હતા. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી હતી પરંતુ રણજીતનો કોઈ પત્તો મળ્યો ન હતો. વર્ષ ૨૦૧૩માં આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.ત્યારે હાલમાં ડાંગ પોલીસ અધીક્ષક પૂજા યાદવની સૂચના હેઠળ ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત ગુમ થયેલા વ્યક્તિઓને શોધવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વઘઇ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. ગઢવીએ સંવેદનશીલતા દાખવી રણજીતની જૂની વિગતો શોધી કાઢી હતી.તેમણે વાપીમાં રણજીત સાથે અભ્યાસ કરતા મિત્રો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી વઘઇ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રણજીત કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે છે.બાતમી મળતા જ વઘઇ પી.એસ.આઈ. એમ.એસ. રાજપૂત અને તેમની ટીમને તુરંત કચ્છ મોકલવામાં આવી હતી. ત્યાં રણજીતનો સંપર્ક કરી, તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરી તેને સુરક્ષિત રીતે વઘઇ પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યો હતો.૧૩ લાંબા વર્ષો બાદ રણજીત જીવિત પાછો આવ્યો હોવાના સમાચાર વાયુવેગે વાનરચોંડ ગામમાં પ્રસરી ગયા હતા. હરખઘેલા થયેલા પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો વઘઇ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા.માતા-પિતાની આંખોમાં હરખના આંસુ હતા. પરિવારજનો અને ગ્રામજનોએ રણજીતની આરતી ઉતારી અને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. વઘઇ પોલીસની આ માનવીય અને નિષ્ઠાપૂર્વકની કામગીરીને ગ્રામજનોએ પુષ્પગુચ્છ આપી બિરદાવી હતી અને સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો..




