
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને તેના ગઠબંધનના પ્રચંડ વિજયના સમાચાર વહેતા થતા જ તેની અસર પડોશી રાજ્ય ગુજરાતનાં ડાંગ જિલ્લામાં પણ જોવા મળી હતી.મહારાષ્ટ્રમાં ભાજપની જીતને વધાવવા માટે ડાંગ જિલ્લાના વઘઇ અને આહવા ખાતે ભાજપના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડીને વિજયની ભવ્ય ઉજવણી કરી હતી.આ વિજયોત્સવના પ્રસંગે ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પક્ષના અગ્રણી નેતાઓ ધર્મેશ પટેલ, પંકજ પટેલ, પુનાભાઈ સોહલા, સંકેત બંગાળ, કલ્પેશભાઈ ઠાકરે, મંગલેશભાઈ ભોયે અને નકુલ જાદવ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.કાર્યકરોએ એકબીજાના મોઢા મીઠા કરાવીને મહારાષ્ટ્રમાં મળેલી જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપ ગઠબંધન એકતરફી જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના કુલ મ્યુનિસિપલ કોર્પોરેશન 29 માંથી 24 પર ભાજપ ગઠબંધન આગળ છે. દેશની સૌથી સમૃદ્ધ મ્યુનિસિપલ સંસ્થા એવી BMCમાં ભાજપ + શિવસેના (શિંદે) ગઠબંધન 227 બેઠકોમાંથી 118 પર સરસાઈ ધરાવે છે.નાગપુર, પુણે, થાણે, નવી મુંબઈ, પિંપરી ચિદવાડ અને નાસિકમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના આ પરિણામોની અસરને પગલે ડાંગ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે..





