કેન્દ્ર-રાજ્ય એક બીજા સામે પોલીસ ફરિયાદ કરશે તો અરાજકતા ફેલાશે : સુપ્રીમ

નવી દિલ્હી : પોલિટિકલ કન્સલટન્સી કંપની આઈ-પેકની કોલકાતા સ્થિત ઓફિસો અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મમતા સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું કે, આગામી સુનાવણી સુધી ઈડીના અધિકારીઓ પર નોંધાયેલી એફઆઈઆર સ્થગિત રહેશે. સાથે જ સુપ્રીમે કહ્યું કે, ઈડીના દરોડામાં મુખ્યમંત્રી મમતા દ્વારા કથિત દખલ ખૂબ ગંભીર મુદ્દો છે. આ રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારોની એજન્સીઓ આમને-સામને આવી જાય તો દેશમાં અરાજક્તા ફેલાઈ જશે. સુપ્રીમે કેન્દ્રીય એજન્સીની તપાસમાં રાજ્ય પોલીસે હસ્તક્ષેપ કર્યાની બાબતની તપાસ માટે પણ તૈયારી બતાવી છે.
પોલિટિકલ કન્સલટન્સી કંપની આઈ-પેક અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનની ઓફિસો અને નિવાસ સ્થાન પર ઈડીના દરોડાની કાર્યવાહીમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે દખલ કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે ૮ જાન્યુઆરીએ આઈ-પેક અને પ્રતીક જૈનના પરિસરોના સીસીટીવી ફુટેજ સુરક્ષિત રાખવા નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમે કહ્યું કે, અરજીમાં રાજ્ય સરકાર દ્વારા કથિત હસ્તક્ષેપ અંગે ગંભીર મુદ્દા ઉઠાવાયા છે. સુપ્રીમે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમારને ઈડીની અરજી પર નોટિસ પાઠવી છે, જેમાં તેમણે આઈ-પેકના પરીસરો તથા તેના સંસ્થાપક પ્રતીક જૈનના આવાસ પર ઈડીના દરોડામાં દખલ કરી હતી.
ન્યાયાધીશો પ્રશાંત કુમાર મિશ્રા અને વિપુલ પંચોલીની બેન્ચે મમતા બેનરજી, ડીજીપીને સીબીઆઈ તપાસની માગવાળી અરજી પર પણ જવાબ આપવા કહ્યું હતું. સુપ્રીમે કહ્યું કે, ઈડી દ્વારા દાખલ અરજીઓમાં ગંભીર સવાલ ઉઠાવાયા છે. ઈડીએ મમતા બેનરજી અને બંગાળ પોલીસ પર આક્ષેપ કર્યો કે, ઈડીની તપાસની કાર્યવાહી વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજી પશ્ચિમ બંગાળ પોલીસના કાફલા સાથે પહોંચ્યા હતા અને અનેક પુરાવા ઉઠાવીને લઈ ગયાં હતાં.
સુનાવણી સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ અરજીમાં ઈડી અથવા અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કરાઈ રહેલી તપાસ અને રાજ્ય એજન્સીઓનો હસ્તક્ષેપ એક ગંભીર મુદ્દો છે. અમારું માનવું છે કે દેશમાં કાયદાના શાસનનું પાલન સુનિશ્ચિત કરવા અને પ્રત્યેક અંગને સ્વતંત્રરૂપે કામ કરવાની મંજૂરી આપવા માટે આ મુદ્દાની તપાસ કરવી જરૂરી છે, જેથી ગૂનેગારોને કોઈ વિશેષ રાજ્યની કાયદાકીય એજન્સીઓની છત્રછાયામાં સંરક્ષણ ના મળી શકે.
સુપ્રીમે સ્પષ્ટ કહ્યું કે, ઈડી દ્વારા ઉઠાવાયેલા મુદ્દાની તપાસ નહીં કરાય તો દેશમાં અરાજક્તા ફેલાઈ જશે. તેથી આ કેસમાં અનેક મોટા સવાલ ઉઠયા છે અને તેમાં અનેક મુદ્દા સામેલ છે, જેનો ઉકેલ નહીં આવે તો સ્થિતિ વધુ બગડતી જશે. સીબીઆઈ તપાસની માગ ઉપરાંત ઈડીએ આઈ-પેકના પરિસરોમાં મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કથિત રીતે લેવાયેલા પુરાવા પાછા આપવા નિર્દેશ આપવાની પણ માગ કરી છે. ઈડીએ આ કેસમાં અગાઉ કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ઈડીએ સુપ્રીમમાં તૃણમૂલ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો ક, કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરાતા કેસની સુનાવણી રોકવા માટે તૃણમૂલ દ્વારા વોટ્સએપ પર કાર્યકરોને મેસેજ કરી ભીડ એકત્ર કરાઈ હતી. આ રીતે તૃણમૂલ કોંગ્રેસ સુનાવણી રોકવા માગતી હતી. આ મુદ્દે સુપ્રીમે તૃણમૂલને સવાલ કર્યો કે, શું રાજકીય પક્ષ કોર્ટને જંતર-મંતર બનાવવા માગે છે? એસજી તુષાર મહેતાએ કહ્યું, હા કોર્ટને જંતર-મંતર બનાવી દેવાઈ હતી.




