
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ – કુણોલ આરોગ્ય કેન્દ્ર સાંજના સમયે રામભરોસે..? 5 વાગ્યા બાદ તાળા, ઇમરજન્સી સારવાર મુદ્દે ગંભીર સવાલો
સરકાર દ્વારા જનતાને ગુણવત્તાસભર અને સુવિધાઓથી સજ્જ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આરોગ્ય કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યા છે. પરંતુ મેઘરજ તાલુકાના કુણોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હાલત જોતા સરકારની આ મહેનત પર પાણી ફરી વળતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે
મેઘરજ તાલુકામાં આરોગ્ય વિભાગ હસ્તકના કેટલાક આરોગ્ય કેન્દ્રો પર સુવિધાઓ સાથે સારી સારવાર મળતી હોવા છતાં, ક્યાંક કર્મચારીઓ અને મેડિકલ ઓફિસરની બેદરકારી દર્દીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. કુણોલ આરોગ્ય કેન્દ્ર છેલ્લા લાંબા સમયથી દર્દીઓ માટે પડકારરૂપ બન્યું હોવાનું સામે આવી રહ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ આરોગ્ય કેન્દ્રમાં સાંજના 5 વાગ્યા બાદ કર્મચારીઓ અને મેડિકલ ઓફિસર જોવા મળતા નથી. જાણે કે 5 વાગ્યા થયા નથી કે તમામ સ્ટાફ ઘર તરફ રફૂચક્કર થઈ જાય તેવી સ્થિતિ જોવા મળે છે. ગત રોજ સાંજના 5-17 કલાકે કુણોલ આરોગ્ય કેન્દ્ર પર તાળા લાગેલી હાલતમાં આરોગ્ય કેન્દ્ર જોવા મળ્યું હતું, જેના કારણે આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.નિયમ મુજબ આ આરોગ્ય કેન્દ્રનો સમય સવારે 9 થી 12 વાગ્યા અને સાંજે 4 થી 6 વાગ્યા સુધીનો છે. છતાં પણ નિર્ધારિત સમય દરમિયાન આરોગ્ય કર્મચારીઓ હાજર ન રહેતા, દર્દીઓને ઈમરજન્સી સારવાર કેવી રીતે મળશે તે પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યો છે. સરકાર પગાર ચૂકવે છે છતાં નિષ્ઠાથી ફરજ ન બજાવાતી હોવાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે.સાંજના સમયે અચાનક બીમારી કે અકસ્માતની સ્થિતિમાં દર્દીઓ આરોગ્ય કેન્દ્ર પહોંચે ત્યારે તાળા જોવા મળે, તો એ દર્દીઓ માટે માથાનો દુખાવો બને તેમાં નવાઈ નથી. આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ સ્થાનિક લોકો અને દર્દીઓ દ્વારા ઉઠી રહી છે.




