Rajkot: સંયુક્ત કાર્યવાહીનું જીવંત ઉદાહરણ : ૧૮૧–૧૦૯૮–પોલીસની સતર્કતાથી ૮ વર્ષના બાળકને સુરક્ષિત માતા–પિતાને સોંપાયુ

તા.૧૭/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ભક્તિનગર વિસ્તારમાં શાળા, આસપાસના સ્થળો અને અટિકા સહિતની વસાહતમાં સતત શોધખોળના અંતે પરિવારની ભાળ મેળવી
Rajkot: રાજકોટમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ તથા ભક્તિ નગર પોલીસ સ્ટેશનની સહિયારી, ઝડપી અને માનવીય અભિગમયુક્ત પરિણામલક્ષી કામગીરી જોવા મળી છે. જેમાં ૮ વર્ષના ભૂલા પડી ગયેલા બાળકનું સુખદ મિલન તેના પરિવારજનો સાથે કરાવી આપી પ્રશાસન નાગરિકોની સુરક્ષા પ્રત્યે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહી હોવાની પ્રતીતિ કરાવી છે”
આ અંગે ૧૮૧ અભ્યમ ટીમના કાઉન્સેલર શ્રી બીનાબેન ગોહિલે માહિતી આપતા જણાવ્યું છે કે, આજ રોજ મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન નાગરિકે આશરે ૮ વર્ષનુ બાળક એકલુ મળી આવ્યાનું જણાવ્યું હતું. ફોન પર આપવામાં આવેલી વિગત મુજબ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકની સુરક્ષા કસ્ટડી લીધી હતી. બાળકને શાંતિ આપીને નાસ્તો કરાવવામાં આવ્યો અને વિશ્વાસમાં લઈ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
બાળક દ્વારા આપેલા સરનામા પર તપાસ કરી છતાં વાલી–વારસ ન મળતા, મામલો ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ ને સોંપવામાં આવ્યો. ત્યારબાદ ૧૦૯૮ ટીમના યોગેશભાઈ અને મણવર પિયુષભાઈ સાથે સંયુક્ત રીતે તપાસ શરૂ કરવામાં આવી. નજીકની શાળાઓમાં ફોટો મોકલી તપાસ કરાઈ, પુલ નીચે રહેતા હોવાની માહિતીના આધારે સ્થળ પર તપાસ કરાઈ, પરંતુ કોઈ સ્પષ્ટ ઓળખ ન મળતા મામલો કાયદેસર રીતે ભક્તિ નગર પોલીસ સ્ટેશનને હવાલે કરાયો.
ભક્તિ નગર પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન સ્ટાફે બાળક સાથે પુછપરછ કરી અને ટેક્નિકલ તથા માનવીય સૂત્રોથી શોધખોળ હાથ ધરી. અંતે અટિકા ફાટક વિસ્તારથી બાળકના ભાઈ સુધી પહોંચવામાં સફળતા મળી. ત્યારબાદ માતા–પિતાને બોલાવી આધારકાર્ડ દ્વારા ઓળખ ચકાસી અને બાળકને સહીસલામત તેમના વાલી–વારસને સોંપવામાં આવ્યું હતું.
૧૮૧ ટીમ તથા પોલીસ દ્વારા માતા–પિતાને સમજાવવામાં આવ્યું કે નાની ઉંમરના બાળકોને એકલા બહાર મોકલવું ગંભીર બેદરકારી છે, જે કાયદેસર રીતે પણ દંડનીય બની શકે છે. બાળકના માતા–પિતાએ પોતાની ભૂલ સ્વીકારી અને આગળથી ખાસ કાળજી રાખવાની ખાતરી આપી તેઓનો આભાર માન્યો હતો.
કોઈ પણ બાળક એકલું, ભટકતું કે સંકટમાં દેખાય તો તરત ૧૮૧ અથવા ૧૦૯૮ હેલ્પલાઇન પર જાણ કરવા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. એક કોલ થકી મદદ કરી કોઈ એક જીવ અને તેના પરિવારજનોને મદદરૂપ બની શકાય છે.



