અમદાવાદના હાથીજણ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 40 આવાસોનો ડ્રો સંપન્ન, ‘ઝૂંપડું ત્યાં ઘર’ યોજનાથી સ્લમ ફ્રી સિટીની દિશામાં આગળ વધતું અમદાવાદ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 40 આવાસોનો ડ્રો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થી પરિવારો માટે ઘરનું સ્વપ્ન સાકાર થતું જોવા મળ્યું હતું.
આવાસોના લોકાર્પણ પ્રસંગે મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગ, મહિલાઓ, દીકરીઓ અને બાળકોને સુરક્ષિત તથા સુવિધાજનક રહેઠાણ મળે તે સરકારની પ્રાથમિકતા છે. આ આવાસોમાં રહેવાસીઓના ખર્ચમાં ઘટાડો થાય તે માટે સોલર પેનલ જેવી પર્યાવરણમિત્ર સુવિધાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર માત્ર પાંચ લાખ રૂપિયાના રાહત દરે આધુનિક સુવિધાઓ ધરાવતા આવાસો ઉપલબ્ધ કરાવી રહી છે. સુરતની જેમ અમદાવાદને પણ ટૂંક સમયમાં ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવાનો સંકલ્પ છે અને ‘ઝૂંપડું ત્યાં ઘર’ યોજના આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આવાસ મેળવનાર તમામ લાભાર્થીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા તેમજ આગામી સમયમાં અન્ય જરૂરિયાતમંદ પરિવારોને પણ આવાસ ઉપલબ્ધ થશે તેવી ખાતરી આપી હતી.
ડેમોન્સ્ટ્રેશન હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 3400 ચોરસ મીટર વિસ્તારમાં EWS-II પ્રકારના કુલ 40 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક આવાસમાં એક બેડરૂમ, હોલ અને કિચન સાથેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટમાં માત્ર રહેઠાણ પૂરતું નહીં પરંતુ સીસી રોડ, સોલર સ્ટ્રીટ લાઈટ, બાઉન્ડ્રી વોલ, ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા જેવી માળખાગત સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ આવાસો માટે કુલ 167 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી પસંદગી પ્રક્રિયા NICના સોફ્ટવેર દ્વારા સંપૂર્ણ પારદર્શક રીતે ડ્રો પદ્ધતિથી કરવામાં આવી હતી. ડ્રો પ્રક્રિયા દરમિયાન લાભાર્થીઓમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુસિંહ જાદવ, શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આવાસ સુલભ બનાવવાના સરકારના સંકલ્પનું જીવંત ઉદાહરણ બન્યો હતો.










