AHAVADANGGUJARAT

મહારાષ્ટ્રમાં ખેડૂતોનાં પડતર પ્રશ્નોના નિકાલ માટે બોરગાંવમાં કિસાન સભાનું રસ્તા રોકો’આંદોલન યથાવત..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

કિશાન સભાનું રસ્તા રોકો આંદોલન બીજા દિવસે પણ યથાવત:-માજી ધારાસભ્ય જે.પી. ગાવિતે આપી ઉગ્ર આંદોલનની ચેતવણી..સાપુતારા 18-01-2026 મહારાષ્ટ્ર અખિલ ભારતીય કિસાન સભા દ્વારા ખેડૂતોના લાંબા સમયથી લટકતા પ્રશ્નો અને પડતર માંગણીઓ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે આપવામાં આવેલા રાજ્યવ્યાપી આંદોલનના એલાનના ભાગરૂપે, આજે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા. સુરગાણા તાલુકાના વાણી-સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બોરગાંવના બિરસા મુંડા ચોક ખાતે અંદાજે દોઢ હજાર જેટલા આંદોલનકારીઓએ એકત્ર થઈને ‘રસ્તા રોકો’આંદોલન કરી ધરણા કર્યા હતા. મહારાષ્ટ્રના તમામ તાલુકાઓની તહસીલ કચેરીઓ સામે યોજાઈ રહેલા આ આંદોલનનું નેતૃત્વ કિસાન સભાના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ, વરિષ્ઠ ખેડૂત નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જે. પી. ગાવિતે કર્યું હતુ.આ તકે જે.પી ગાવિતે સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો સરકાર ખેડૂતોની ન્યાયી માંગણીઓ પર તાત્કાલિક હસ્તક્ષેપ નહીં કરે અને ઉકેલ લાવવામાં નિષ્ફળ જશે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને રસ્તાઓ પર ઉતરીને સરકારને પાયામાંથી હચમચાવી દેવામાં આવશે.આ આંદોલન દરમિયાન ખેડૂતોની વિવિધ માંગણીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, જેમાં જળ સંચય અને સિંચાઈના પ્રશ્નો મુખ્ય રહ્યા હતા. કિસાન સભાએ માંગણી કરી હતી કે સ્થાનિક ખેડૂતોની સાથે ખાનદેશ અને મરાઠવાડાના ખેડૂતો, ઉદ્યોગો અને ઔદ્યોગિક વસાહતોને ટી-વેર સિમેન્ટ કોંક્રિટ જેવા આદર્શ બંધ બનાવીને પૂરતું પાણી પૂરું પાડવામાં આવે. આ ઉપરાંત, જે ચેકડેમ કે બંધોના કામ અધૂરા છે અથવા જેમાં કાંપ ભરાઈ ગયો છે, તેનું તાત્કાલિક સમારકામ અને સફાઈ કરવામાં આવે જેથી સંગ્રહ ક્ષમતા વધી શકે. બીજી મહત્વની માંગ વન અધિકાર કાયદાને લઈને હતી, જેમાં આદિવાસીઓની માલિકીની ૧૦ એકર જમીન તાત્કાલિક લાભાર્થીઓને સોંપવા, જમીનનો અલગ સાતબારા ઉતારો તૈયાર કરવા અને તેમાં પતિ-પત્ની બંનેના નામ કબજેદાર તરીકે નોંધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અન્ય અધિકારો વન વિભાગ અથવા સરકારના નામે હોવા જોઈએ પરંતુ ખેડૂતનો હક્ક અબાધિત રહેવો જોઈએ.આંદોલનકારીઓએ વધુમાં એવી પણ રજૂઆત કરી હતી કે વન પ્લોટ ધારકોને જે જમીન આપવામાં આવી છે, તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓના લાભો મળવા જોઈએ. આ યોજનાઓમાં ખેતી માટે કુવા, જમીન સમતળીકરણ, બગીચાની ખેતી (બાગાયત), સૌર ઉર્જા અને ઈલેક્ટ્રિક મોટરનો સમાવેશ થાય છે. બાકીના વન પ્લોટના કેસોનો તાત્કાલિક નિકાલ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂતોને ખેતીકામ માટે ૨૪ કલાક અવિરત વીજળી પુરવઠો પૂરો પાડવાની માંગ પણ બુલંદ કરવામાં આવી હતી.આ વિરોધ પ્રદર્શનમાં જનાર્દન ભોયે, સાવલીરામ પવાર, વસંત બાગુલ, પુંડલિક ભોયે, સંદીપ ભોયે, અશોક ભોયે, ભગવાન ગાંગુર્ડે, ભાસ્કર જાધવ, અશોક ધૂમ અને નીતિન ગાવિત જેવા અગ્રણીઓએ સક્રિય ભાગ લીધો હતો.આ ‘રસ્તા રોકો’ આંદોલનની વ્યાપક અસર સાપુતારા-નાસિક માર્ગ પર જોવા મળી હતી. આંદોલનને કારણે માર્ગ પર વાહનોની અવરજવર લગભગ થંભી ગઈ હતી, જેના કારણે ખાસ કરીને પર્યટન ઉદ્યોગ પર મોટી અસર પડી હતી. પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા જતા પ્રવાસીઓ રસ્તામાં અટવાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાતા સ્થાનિક વેપારને પણ ફટકો પડ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ ઈન્સ્પેક્ટર વિનોદ પાટીલના માર્ગદર્શન હેઠળ સબ ઈન્સ્પેક્ટર મનોજ કુંવર અને સબ ઈન્સ્પેક્ટર ખાડે સહિતના સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો. આંદોલનકારીઓએ સરકારને આખરી ચેતવણી આપી છે કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આ લડત લંબાવવામાં આવશે.

Back to top button
error: Content is protected !!