સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટરોની તત્પરતા અને કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનો જીવ બચ્યો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઈએનટી વિભાગના ડોક્ટરોની સમયસર કાર્યવાહી અને તબીબી કુશળતાના પરિણામે સેફટી પીન ગળી જવાથી ગંભીર હાલતમાં આવેલી મહિલાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. ગળામાં ફસાઈ ગયેલી ધારદાર સેફટી પીનથી આંતરિક ઇજાનો મોટો ખતરો હતો અને સારવારમાં થતો વિલંબ જીવલેણ સાબિત થઈ શકતો હતો.
ઈએનટી વિભાગના વડા ઇલા ઉપાધ્યાયે કેસ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે 48 વર્ષીય મહિલા દર્દી સરૂબાલા રમેશચંદ્રને 15 જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દી છેલ્લા લગભગ 20 દિવસથી ગળામાં અસ્વસ્થતા અને દુખાવાની ફરિયાદ કરી રહી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દર્દી ખેંચની બીમારીથી પીડિત છે અને આશરે 20 દિવસ અગાઉ સેફટી પીન વડે દાંત સાફ કરતી વખતે અચાનક ખેંચ આવતા સેફટી પીન ગળી ગઈ હતી.
દર્દીનું એક્સ-રે કરતા જણાયું કે સેફટી પીન અન્નનળીમાં C-7 અને T-1 મણકાના લેવલ પર ફસાઈ ગઈ હતી, જે અત્યંત જોખમી સ્થિતિ હતી. આવી સ્થિતિમાં અન્નનળીમાં છિદ્ર થવો, રક્તસ્ત્રાવ થવો કે ગંભીર ચેપ ફેલાવાનો ભય રહેતો હોય છે.
તારીખ 16 જાન્યુઆરીના રોજ ઈએનટી વિભાગના વડા ઇલા ઉપાધ્યાય તથા એનેસ્થેશિયા વિભાગના ભાવના રાવલની ટીમ દ્વારા મહામહેનતે ઈસોફેગોસ્કોપી કરવામાં આવી. લાંબી અને જટિલ પ્રક્રિયા બાદ અન્નનળીના અન્ય કોઈ ભાગને નુકસાન ન પહોંચે તે રીતે સેફટી પીન સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.
ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ સ્થિર અને સંપૂર્ણપણે સામાન્ય હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. હાલ દર્દી કોઈ તકલીફ વિના મોઢેથી ખોરાક લઈ શકે છે અને ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે. યોગ્ય સમયે સારવાર મળવાથી મોટી સર્જરી અથવા જીવલેણ જટિલતાઓ ટાળી શકાયી હોવાનું પણ ડોક્ટરોએ જણાવ્યું.
આ પ્રસંગે ઇલા ઉપાધ્યાયે ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે માનસિક બીમારી, ખેંચ અથવા અન્ય ન્યુરોલોજિકલ તકલીફ ધરાવતા દર્દીઓએ સેફટી પીન, સોય, બ્લેડ જેવી ધારદાર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આવી બેદરકારી ગંભીર જોખમ ઉભું કરી શકે છે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટરો અને તબીબી સ્ટાફની આ સફળ કામગીરીને કારણે ફરી એકવાર સરકારી હોસ્પિટલમાં મળતી ગુણવત્તાયુક્ત અને જીવનરક્ષક સારવાર પર લોકોનો વિશ્વાસ મજબૂત થયો છે.






