આરોપીની ધરપકડની માંગ સાથે પરિવારનો વિરોધ, લાશ સ્વીકારવાનો ઇનકાર

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલમાં યુવાને ઝંપલાવ્યાની ઘટનાનો કરૂણ અંત આવ્યો છે. તારીખ 16/01/2026ના રોજ સાંજે 18:47 કલાકે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે થરાદની મુખ્ય નર્મદા કેનાલ ખાતે ડેરી પુલ નજીક એક યુવકે કેનાલમાં ઝંપલાવ્યું છે. કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ રાત્રી થઈ જવાને કારણે યોગ્ય રીતે શોધખોળ કરી શકાઈ નહતી.
ત્યારબાદ તારીખ 17/01/2026ના રોજ આખો દિવસ ભારે જહેમત બાદ પણ ડેડબોડી મળી આવી નહતી. આજે તારીખ 18/01/2026ના રોજ વહેલી સવારથી ફરી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં લુણાલ પુલ પાસે કેનાલમાં તરતી હાલતમાં ડેડબોડી મળી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ડેડબોડી કેનાલમાંથી બહાર કાઢી હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
મૃતકની ઓળખ કિરણભાઈ ભુપતભાઈ ઠાકોર તરીકે કરવામાં આવી છે. ડેડબોડી પરિવારજનોની હાજરીમાં પોસ્ટમોર્ટમ અર્થે ખેસેડવામાં આવી હતી. જોકે આ દરમિયાન પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ ડેડબોડી સ્વીકારશે નહીં.
ઠાકોર પરિવારે મોન્ટુ મહારાજ અને ભરત દવે સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ છે અને મામલો તણાવપૂર્ણ બન્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે




