જાતિ આધારિત બહિષ્કાર અને મારામારી મામલે પોલીસ ફરિયાદ

- વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ તાલુકાના ઝેટા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૩ વર્ષથી મધ્યાહન ભોજન સંચાલક તરીકે સેવા આપતા પારૂ નામ સુરેશભાઈ ભીમાભાઈ તુરી (બારોટ) (ઉ.વ. ૫૦) સાથે જાતિ આધારિત ભેદભાવ, સામાજિક બહિષ્કાર તથા મારામારીની ગંભીર ઘટના સામે આવી છે.
ફરિયાદ મુજબ, ડિસેમ્બર ૨૦૨૫ના પ્રથમ અઠવાડિયામાં શાળાના રસોડામાં મધ્યાહન ભોજન તૈયાર કરતી વખતે રસોડામાં તપેલું ઉતારવાના પ્રસંગે ઠાકોર સમાજના કેટલાક આગેવાનો દ્વારા “તુરી બારોટ તપેલું અડકે એટલે આભડછેટ થાય છે” એવો આક્ષેપ કરી ઠાકોર સમાજના બાળકોને જમવાનું બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તુરી બારોટને ગામમાં કોઈ મજૂરી ન આપે તથા કોઈ બોલાવે નહીં તેવો સામાજિક બહિષ્કાર કરવાનો ઠરાવ ૧૬/૧૨/૨૦૨૫ના રોજ મિટીંગમાં કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બાબતે ફરીયાદી ન્યાય સમિતિના ચેરમેન કરશનભાઈ ખોનાભાઈ સોલંકીને રજૂઆત કરવા જતા હતા ત્યારે ૨૨/૧૨/૨૦૨૫ના રોજ ઝેટા ગામના સ્મશાનભૂમિ નજીક પ્રકાશભાઈ પરશુભાઈ ઠાકોર તથા અંગજીભાઈ વાંકજીભાઈ ઠાકોર દ્વારા રસ્તામાં અટકાવી “રાજીનામું આપી દે નહીં તો કોઈ ઠાકોર સમાજના છોકરા જમશે નહીં” કહી ધમકી આપવામાં આવી હતી. ફરીયાદી ઇનકાર કરતા આરોપીઓએ લાફા-ગડદાપાટુનો માર મારી મા-બેનની અશ્લીલ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવાયું છે.
સ્થાનિક લોકો વચ્ચે પડી ફરીયાદીને છોડાવ્યા બાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇ ફરીયાદીએ સંબંધિત લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં ધોરણસર ફરીયાદ નોંધાવી છે.
પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને સામાજિક ભેદભાવ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.




