Rajkot: રાજકોટ ખાતે ખોડિયાર પ્રાથમિક શાળા નં.૭૬ના નવનિર્મીત ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા

તા.૧૮/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા – સ્કૂલ ઓફ એકસેલેન્સ અંતર્ગત આધુનિક સુવિધાઓથી સજ્જ શાળાભવન રૂ. ૨.૬૮ કરોડના ખર્ચે તૈયાર કરાયું
આધુનિક શૈક્ષણિક માળખું વિદ્યાર્થીઓની ક્ષમતાને ઓળખી પ્રોત્સાહિત કરે છે : શિક્ષણમંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા
શાળાના નવા ભવનના નિરીક્ષણ દરમિયાન મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો પ્રેરક સંવાદ
Rajkot: સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજાએ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ હસ્તક સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત રૂ. ૨.૬૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા શ્રી મા ખોડિયાર પ્રાથમિક શાળા નં. ૭૬ના નવનિર્મિત શાળાભવનનું લોકાર્પણ કર્યું હતું.
ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા – સ્કૂલ ઓફ એકસેલેન્સ અંતર્ગત આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવા શાળાભવનના લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજનો આ પ્રસંગ માત્ર ઇમારતનું લોકર્પણ નથી પરંતુ ભવિષ્યની પેઢીને મજબૂત કરનાર વિદ્યાભવનનું લોકાર્પણ છે.જેમ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે તેમ આપણા દેશનું ભવિષ્ય વર્ગખંડમાં તૈયાર થાય છે. શિક્ષણ એ સમાજનો પાયો છે. આ શાળામાંથી અનેક વિદ્યાર્થીઓ રમતગમત, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. નવા શાળા ભવનથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અનેક લાભ મળશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–૨૦૨૦ અંતર્ગત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નમો લક્ષ્મી યોજના, મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ, ગુજરાત નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સહિત અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કેબિનેટ મંત્રીશ્રીએ આ પ્રસંગે રાજકોટ સાથે જોડાયેલી તેમના વિદ્યાર્થીકાળની સ્મૃતિઓ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રીશ્રીના હસ્તે શાળાના પૂર્વ વિદ્યાર્થી શ્રી અતુલભાઈ, વર્તમાન વિદ્યાર્થી શ્રી દર્શનભાઈ તેમજ જાપાન ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર શાળા નં. ૯૪ના આચાર્યશ્રી જુહીબેન માંકડનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડે પ્રેરક સંબોધન કર્યું હતું.
મંત્રીશ્રીએ શાળાભવનના તમામ વર્ગખંડોની વિગતવાર મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયક સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રમતગમત તથા વિજ્ઞાનના પ્રયોગો અંગે ચર્ચા કરી તેમની પ્રતિભાની પ્રશંસા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ. ૨.૬૮ કરોડના ખર્ચે તૈયાર થયેલું ખોડિયાર પ્રાથમિક શાળા નં.૭૬નું ભવન કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, સ્માર્ટ વર્ગખંડો, રમતગમત માટેનું મેદાન સહિતની સુવિધાઓથી સજ્જ છે.
કાર્યક્રમની સ્વાગતવિધિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શ્રી વિક્રમભાઈ પુજારાએ કરી હતી. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિ તેમજ પ્રાર્થનાગીત રજૂ કરાયું હતું.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર શ્રી નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ધારાસભ્ય શ્રી દર્શનાબેન શાહની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. ક્રાયક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યો, જિલ્લાના આગેવાનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.












