GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: શિક્ષણમંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજાએ સરકારી છાત્રાલયોની મુલાકાત લીધી

તા.૧૮/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સમરસ હોસ્ટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલય તેમજ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં અપાતી સુવિધાઓની સમીક્ષા કરી

વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતા રાખવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવા તથા ઉપલબ્ધ સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરતા શિક્ષણમંત્રીશ્રી

Rajkot: સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજાએ રાજકોટ ખાતે આવેલ સમરસ હોસ્ટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલય તેમજ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી. જેમાં મંત્રીશ્રીએ છાત્રાલયોમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી તથા સંચાલકને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

શિક્ષણમંત્રીશ્રીએ જમણવારની વ્યવસ્થા, રસોડું, સ્ટોર રૂમ સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ છાત્રાલયમાં નિવાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેઓના અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી, વાંચન અને અભ્યાસ માટે ઉપલબ્ધ સગવડ અંગે જાણકારી મેળવી હતી.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતા રાખવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવા તથા ઉપલબ્ધ સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સરકાર દ્વારા છાત્રાલયોની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ અવસરે અગ્રણી શ્રી ડો. માધવભાઈ દવે, શ્રી મહેશભાઈ રાઠોડ, રાજકોટ શહેર અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શ્રી રતાભાઈ પરમાર સહિતના અગ્રણીઓ તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામકશ્રી એ. જે. ખાચર, વિકસતી જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામકશ્રી દેવકરણભાઈ પીપળીયા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી પી.ડી.ગામીત, સમાજ કલ્યાણ અધિકારીશ્રી (જિ. પં.) શ્રી એચ.આર રાઠોડ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!