
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજીના ખેરંચા નજીક સ્ટેટ હાઇવે પર અજાણ્યા વાહનની અફફેટે દીપડો ઇજાગ્રસ્ત, વન વિભાગે ભારે જહેમત બાદ કર્યો રેસ્ક્યુ
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ખેરંચા ગામ પાસે સ્ટેટ હાઇવે પર અજાણ્યા વાહનની અફફેટે એક વન્યપ્રાણી દીપડો ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ દીપડો હાઇવેની નજીક જ પડ્યો રહેતા અને અચાનક પસાર થતા વાહનો પર ત્રાપ મારવાનો પ્રયાસ કરતો હોવાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. રસ્તા પરથી સતત વાહન વ્યવહાર ચાલતો હોવાથી સ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી. વન વિભાગની ટીમે સલામતીના પગલાં લઈ હાઇવે પર જાળ પાથરી દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. આ સમગ્ર કામગીરી દરમિયાન ACF સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહી કામગીરી પર દેખરેખ રાખી હતી.રેસ્ક્યુ બાદ ઇજાગ્રસ્ત દીપડાને પાંજરામાં મુકીને વન વિભાગ દ્વારા તેની તાત્કાલિક સારવાર અને આરોગ્ય તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે. દીપડાની હાલત અંગે વન તંત્ર દ્વારા સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.વન વિભાગની સમયસરની કામગીરીને કારણે કોઈ માનવ હાનિ કે બીજી મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઘટનાને લઈને વાહનચાલકોને સાવચેત રહેવા વન વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.





