ભરૂચ: બંબુસર ગામે મદ્રસા એ ગુલશને મદીના તરફથી સાલાના ઈનામી જલ્સાનું ભવ્ય અને દીની માહોલમાં આયોજન, મદ્રેસાના બાળકો દ્વારા દીની કાર્યક્રમો યોજાયા.



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલ મદ્રસા એ ગુલશને મદીના તરફથી સાલાના ઈનામી જલ્સાનું ભવ્ય અને દીની માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ જલ્સામાં મદ્રસાના તાલીમાર્થી બાળકો દ્વારા ઈસ્લામી શિક્ષણ આધારિત નાતશરીફ, બયાનાત, કિરાત તેમજ સવાલ–જવાબ જેવા દીની કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિતોએ ખૂબ સરાહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં દીની શિક્ષણ પ્રત્યે રુચિ વધારવી અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ અવસરે બાળકોની મહેનત અને પ્રતિભાને બિરદાવવા માટે પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે.
આ સાલાના જલ્સામાં ફાઝિલે નોજવાન આલિમે ઝીશાન મુકર્રિર દ્વારા પ્રભાવશાળી અને માર્ગદર્શનાત્મક બયાન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે દીની તઆલીમ, અખ્લાક અને સમાજમાં સકારાત્મક મૂલ્યો અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ ખતીબો ઈમામ હઝરત અલ્લામા મૌલાના અલ્તાફ મિસ્બાહી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના ઉદ્દબોધનમાં દીની શિક્ષણના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, મદ્રસાના મુદરરીશો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયું હતું. અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, ગ્રામજનો અને સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



