BUSINESSGUJARAT

બેન્કિંગ ક્ષેત્રે થાપણથી ધિરાણનું પ્રમાણ નવી ઊંચી સપાટીએ…!!!

કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંતે   દેશના બેન્કિંગ ક્ષેત્રમાં થાપણથી ધિરાણની માત્રા વધી ૮૧.૭૫% સાથે અત્યારસુધીની   ઊંચી સપાટીએ પહોંચી છે. થાપણની સરખામણીએ ધિરાણ માગમાં વધારો થતાં થાપણ ઊભી કરવા બેન્કો પર દબાણ આવી ગયાનું માનવામાં આવે છે.થાપણ સામે ધિરાણ પૂરુ પાડવા પર બેન્કો માટે કોઈ નિયમન નથી આમછતાં કોઈપણ અનપેક્ષિત સ્થિતિને પહોંચી વળાય તેટલા પ્રમાણમાં લિક્વિડિટી જાળવી રાખવા આરબીઆઈ બેન્કોને સૂચના આપતી રહે છે.થાપણની સામે ધિરાણના રેશિઓની ગણતરી કરવામાં થાપણો ઉપરાંત સર્ટિફિકેટસ ઓફ ડિપોઝિટસને ધ્યાનમાં લેવામાં આવે છે. બોન્ડ મારફત ઊભા કરાતા નાણાંને આ ગણતરીમાં લેવાતા નથી.

બોન્ડસ મારફત ઊભા કરાતા નાણાંને થાપણમાં આવરી લેવામાં આવે તો થાપણથી ધિરાણનું પ્રમાણ નીચું રાખવામાં મદદ મળી શકે છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.બેન્ક થાપણ કરતા અન્ય સાધનોમાં વધુ વળતર મળી રહેતા હોવાથી બચતકારો પોતાની બચત આ સાધનો તરફ વાળી રહ્યા છે. ખાસ કરીને ઈક્વિટીસમાં રોકાણમાં વધારો જોવા મળે છે. સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં પણ બેન્ક થાપણ કરતા વધુ વ્યાજ પ્રાપ્ત થતું હોવાનું જોવા મળે છે.છેલ્લા એક કરતા ઓછા વર્ષના ગાળામાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૧.૨૫% જેટલો ઘટાડતા ધિરાણ માગમાં વધારો થયો છે. લોન પરના દર નીચે જતા બેન્કોએ પોતાના વ્યાજ માર્જિનને જાળવી રાખવા થાપણ દરમાં ઘટાડો કરવાની ફરજ પડી રહી છે.

સમાપ્ત થયેલા ૨૦૨૫ના વર્ષમાં બેન્કોની ધિરાણમાં ૧૧.૪૦% વધારો થયો છે અને થાપણમાં ૧૦.૧૦ % વૃદ્ધિ થવા પામી છે. ૩૧ ડિસેમ્બરના અંતે બાકી પડેલા ધિરાણની રકમ રૂપિયા ૨૦૨ લાખ કરોડ હતી જ્યારે થાપણનો આંક રૂપિયા ૨૪૮.૫૦ લાખ કરોડ રહ્યો હતો. ધિરાણ માગને પહોંચી વળવા બેન્કોએ નાણાં ઊભા કરવા બોન્ડ સહિતના અન્ય ઋણ સાધનો જારી કરવાની ફરજ પડી રહી છે. બેન્કોમાં લિક્વિડિટી પૂરી પાડવા રિઝર્વ બેન્કે તાજેતરમાં વિવિધ પગલાં હાથ ધર્યા હોવાનું જોવા મળ્યું હતું.

Back to top button
error: Content is protected !!