
સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે આવેલા તડકેશ્વર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી નવી પાણીની ટાંકી અચાનક ધરાશાયી થતાં ભારે ચકચાર મચી ગઈ છે. 11 લાખ લિટર ક્ષમતા ધરાવતી આ વિશાળકાય ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી હતી.
મળતી માહિતી અનુસાર, ટાંકીના પરીક્ષણ માટે તેમાં આશરે 9 લાખ લિટર પાણી ભરવામાં આવ્યું હતું. તે દરમિયાન જમીનના ભાગેથી એક બાજુ ટાંકી અચાનક તૂટી પડતા આખી પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં કામ પર હાજર ત્રણ મજૂરોને ઇજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના બાદ સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે એટલી મોટી દુર્ઘટના છતાં જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સ્થળ પર હાજર રહ્યા નહોતા. જેના કારણે બાંધકામની ગુણવત્તા, દેખરેખ અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ પાણીની ટાંકી અનેક ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવી હતી. પરંતુ ટાંકી ધરાશાયી થતાં હવે સ્થાનિક ગ્રામજનોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા માટે અવાજ ઉઠાવ્યો છે.
પ્રશાસન દ્વારા હાલ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ જમીનસ્તરે જવાબદારી નક્કી થશે કે નહીં તે અંગે લોકોમાં શંકા જોવા મળી રહી છે.





