સરહદો પાર પણ કાયદાનો કરિશ્મા: એડવોકેટ મુહમ્મદ કાસિમ વોરાની બુદ્ધિચાતુર્યથી સાઉથ આફ્રિકામાં ભારતીય નાગરિકને મળ્યું રક્ષણ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી એડવોકેટ મુહમ્મદ કાસિમ વોરાએ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે કાયદાની ઊંડી સમજ, સમયસૂચકતા અને સ્માર્ટ કાયદાકીય રજૂઆત હોય તો સરહદો પાર પણ ન્યાય અપાવી શકાય છે.
તાજેતરમાં સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં એક ભારતીય દીકરી ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ હતી. ત્યાંથી હજારો કિલોમીટર દૂર ભારતમાં બેઠેલા તેના માતા-પિતા માટે પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક હતી અને સમય પણ અત્યંત મર્યાદિત હતો.
આ નાજુક સમયે એડવોકેટ મુહમ્મદ કાસિમ વોરાએ પરંપરાગત ફરિયાદી પ્રક્રિયાથી અલગ જઈ ટેકનોલોજી અને કાયદાનો અદભૂત સંયોજન અપનાવ્યો. તેમણે પોતાની કાયદાકીય રજૂઆતમાં પીડિતાનું ચોક્કસ GPS લોકેશન (Coordinates) સમાવ્યું, જેથી સ્થાનિક અધિકારીઓ માટે સ્થળ શોધવું સરળ બની ગયું અને કોઈપણ પ્રકારની ટાળટૂળ શક્ય ન રહી.
આ સાથે તેમણે પીડિતાના વિઝા અને ઈમિગ્રેશન સ્ટેટસનો ગેરફાયદો ઉઠાવી તેને ડરાવવામાં આવી રહી હોવાનો મુદ્દો પણ ભારપૂર્વક રજૂ કર્યો, જેને માનવ અધિકારના ગંભીર ભંગ તરીકે રજૂ કરવામાં આવ્યો. આ તર્કસભર અને ધારદાર રજૂઆતના કારણે સાઉથ આફ્રિકામાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટને તાત્કાલિક પગલાં લેવા પડ્યા.
ફરિયાદ મળ્યાના માત્ર 48 કલાકની અંદર, જોહાનિસબર્ગ સ્થિત કોન્સ્યુલેટના અધિકારીઓએ સ્થાનિક પોલીસ સાથે મળીને નિર્ધારિત સ્થળે તપાસ હાથ ધરી, પીડિતાનો સંપર્ક કર્યો અને તેના પિતા સાથે સીધી વાતચીત પણ કરાવી.
એડવોકેટ મુહમ્મદ કાસિમ વોરાની આ સિદ્ધિ સાબિત કરે છે કે વકીલાત માત્ર કોર્ટરૂમ સુધી સીમિત નથી; યોગ્ય સમયે યોગ્ય કાયદાકીય બુદ્ધિ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા નાગરિકને ન્યાય અને સુરક્ષા અપાવી શકાય છે.
તેમની આ કામગીરી ભરૂચ સહિત સમગ્ર ગુજરાતના કાયદાકીય ક્ષેત્ર માટે ગૌરવની બાબત બની છે.



