GUJARATMORBIMORBI CITY / TALUKO

DHROL- ધ્રોલ ખાતે વસંતપંચમીએ આહિર સમાજના ૧૨માં સમૂહ લગ્નોત્સવ યોજાશે 

DHROL- ધ્રોલ ખાતે વસંતપંચમીએ આહિર સમાજના ૧૨માં સમૂહ લગ્નોત્સવ યોજાશે

 

 

રિપોર્ટ.. લલીતભાઈ નિમાવત બાલંભા

ધ્રોલના આંગણે વસંતપંચમીએ રચાશે પ્રભુતામાં પગલાંનો મંગલ ઉત્સવ: આહિર સમાજના ૧૨માં સમૂહ લગ્નોત્સવમાં ૧૬ નવયુગલો મંગલ ફેરા ફરશે

૧૦ હજારથી વધુ મેદનીની ઉપસ્થિતિમાં વેરવાની રાસ મંડળી અને માતૂશ્રી રામબાઈમાં કન્યા છાત્રાલયની બાળાઓ સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ કરશે: તડામાર તૈયારીઓ..

ધ્રોલ સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી હંમેશા શૌર્ય, સામાજિક એકતા અને પરોપકારની સાક્ષી રહી છે. આ પરંપરાને વધુ ઉજ્જવળ બનાવવાના ઉમદા હેતુ સાથે જામનગર જિલ્લાના ધ્રોલ મુકામે શ્રી મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આહિર સમાજ સેવા સમિતિ દ્વારા ૧૨માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવારના રોજ વસંતપંચમીના પવિત્ર દિવસે ૧૬ નવયુગલો મંગલ ફેરા ફરીને સંસાર જીવનના પવિત્ર પથના પથીક બનશે.

વર્તમાન સમયમાં જ્યારે લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓ વધતા જાય છે, ત્યારે ધ્રોલ આહિર સમાજે આ ભવ્ય આયોજન દ્વારા સમાજને સાદગી અને એકતાનો પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. સંવત ૨૦૮૨, મહા સુદ-૫ એટલે કે વસંતપંચમીના શુભ મુહૂર્તે યોજાનાર આ મંગલ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે આહિર સમાજના રાજકીય આગેવાનો, ભામાશાઓ અને સમસ્ત આહિર સમાજના ભાઈઓ-બહેનો સહિત આશરે ૧૦ હજાર જેટલી જનમેદની ઉમટી પડશે.

આ લગ્નોત્સવને યાદગાર બનાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેરવા ગામની પ્રખ્યાત રાસ મંડળી દ્વારા શૌર્યસભર રાસની રમઝટ બોલાવવામાં આવશે. આ સાથે જ, માતુશ્રી રામબાઈમાં કન્યા છાત્રાલય-ધ્રોલની બાળાઓ દ્વારા સંસ્કાર અને શિક્ષણનો સંદેશ આપતા રાસ રજૂ કરવામાં આવશે. સમગ્ર લગ્ન વિધિ આચાર્ય શ્રી ભટ્ટ નયનકુમાર મુંકુદરાય દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવવામાં આવશે.

કાર્યક્રમની રૂપરેખા તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ ઉત્સવની શરૂઆત વહેલી સવારે ૬:૦૦ કલાકે મંડપ રોપણથી થશે. ત્યારબાદ ૬:૩૦ કલાકે ગણેશ સ્થાપના અને જાનનું ભવ્ય આગમન થશે. સવારે ૮:૦૦ કલાકે ગૃહ શાંતિની વિધિ અને આ મહોત્સવની સૌથી મહત્વની ક્ષણ એટલે કે ‘હસ્ત મેળાપ’ સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે. લગ્ન વિધિ બાદ સવારે ૧૧:૦૦ કલાકે સન્માન સમારંભ અને ૧૧:૩૦ કલાકે સત્કાર સમારંભ યોજાશે. અંતે બપોરે ૧૨:૩૦ કલાકે ભવ્ય મહાપ્રસાદ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે શ્રી મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ વશરામભાઈ આહિર, ઉપપ્રમુખ કનુભાઈ મકવાણા, ખજાનચી નરસંગભાઈ ઝાટીયા અને મંત્રી કેશુભાઈ ખીમાણીયા સહિતના ટ્રસ્ટીગણ રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. ટ્રસ્ટી મંડળમાં હરસુખભાઈ શિયાર, મહેશભાઈ બરારીયા, અશોકભાઈ કાનગડ, લખમણભાઈ ડાંગર, નારણભાઈ મકવાણા, જશુભાઈ શિયાર, કાળુભાઈ ડાંગર, હરિભાઈ ખીમાણીયા, રમેશભાઈ ડાંગર, કરશનભાઈ બરારીયા અને ભરતભાઈ ડાંગર, નારણભાઈ રવાભાઈ શિયાર, જેવા સેવાભાવી આગેવાનો ખભેખભા મિલાવીને સેવા આપી રહ્યા છે.

વિશેષમાં, આ પ્રસંગના મુખ્ય આકર્ષણ એવા ભોજન સમારંભના દાતા તરીકે ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાવતભાઈ કાથળભાઈ શિયાર અને અ.સૌ. ભાવનાબેન રાવતભાઈ શિયાર પરિવારે પોતાની ઉદારતા દાખવી સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. હમાપર રોડ (ખારવા ગામ) સ્થિત આહિર સમાજ વાડી ખાતે યોજાનાર આ ઉત્સવમાં સહપરિવાર પધારવા આહિર સમાજ સેવા સમિતિ-ધ્રોલ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!